વડોદરા: શહેરના અટલાદરા વિસ્તારમાં ગતમોડી રાત્રે વ્યાજે નાણાં આપતા ફાઇનાન્સરના ઘરે 6 ઈસમો દ્વારા હાથમાં છરીઓ અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ફાયનાન્સરે જેણે રૂપિયા વ્યાજે આપ્યા હતા તે મહિલાના સંબંધીએ 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે નાણાં આપનાર ફાઇનાન્સરની પત્નીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લુખ્ખા તત્વોની દાદાગીરી નજીકમાં રહેલ સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે કરેલા હુમલાને લઈ સીસીટીવી સામે આવ્યા છે જેના આધારે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. સીસીટીવી આધારે તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.સીસીટીવી આધારે મનોજ યાદવ અને તરુણ યાદવ નામના બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે ...એન એલ પાંડોર
20 લાખની ખંડણી માંગી : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ કેયુરીબેન પ્રદીપભાઇ પટેલે માંજલપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓના પતિ નીલકંઠ ફાઇનાન્સ કંપનીમાં ધીરધારનો વ્યવસાય કરે છે. લલિતાબેન સોલંકી નામની મહિલાએ તેઓની પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતાં. આજથી આશરે બે-ત્રણ મહિના પહેલા લલિતાબેને અમારી સામે વ્યાજખોરીની ફરિયાદ આપી હતી. જેમાં મારા પતિ જામીન પર છુટ્યા હતાં. લલિતાબેન સોલંકીના સંબંધી ગૌરવ સોલંકીએ મારા પતિને કહ્યું હતું કે, જામીન મળી ગયા છે, તો હવે તમારે 20 લાખ રૂપિયા મને આપવા પડશે તેમ કહીને ખંડણી માંગતો હતો.
ગત રાત્રીના 12 વાગ્યાની આસપાસ પરિવારમાં પતિ બહાર હતા અને અમે ઘરે જતા ત્યારે એકાએક ગૌરવ સૌલંકી અને બીજા આશરે 5 ઇસમમો અલગ-અલગ ત્રણેય ટુ-વ્હીલર વાહનો સાથે અમારા ઘરે આવ્યા હતા અને ઘરની બહાર મારા પતિ પ્રદીપનું નામ લઇને ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. તેઓ અમારા ઘરનો દરવાજો ખખડાવવા લાગ્યા હતાં અને અમારા ઘર પર છુટ્ટા પથ્થરો મારી અમારા ઘરની બારીના કાચ તોડી નાખ્યા હતા. જેથી અમે ગભરાઇ જઇને ઘરનો દરવાજો ખોલ્યો નહોતો....કેયુરીબેન પ્રદીપભાઇ પટેલ (ફરિયાદી)
હાથમાં છરા સાથે ધમકી આપી : તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગૌરવ સોલંકી નામનો ઇસમ હાથમાં મોટો છરો લઇને આવ્યો હતો અને જોરથી બુમો પાડીને પ્રદીપભાઇ નામ લઇને ગંદી ગાળો બોલતો હતો અને 20 લાખ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી બૂમો પાડતો હતો. જેથી અમે લોકો ગભરાઇ ગયા હતા અને ઘરની પાછળના દરવાજાથી આજુબાજુમાં બૂમો પાડીને મદદ માટે બોલાવતા સોસાયટીના લોકો આવી ગયા હતાં. જેથી ગૌરવ સોલંકી અને 5 ઇસમો વાહનોમાં બેસીને ભાગી ગયા હતાં.