વડોદરા: શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ તેમજ ડીગ્રી સર્ટીફીકેટ બનાવવાનું કૌંભાડ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યું છે.
આ કૌંભાડમાં પોલીસે બોગસ માર્કશીટો અને ડીગ્રી સર્ટીફીકેટ સાથે ભેજાબાજની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ભેજાબાજ વર્ષ-2018માં પણ બોગસ માર્કશીટ કૌંભાડમાં ઝડપાયો હતો. શહેર ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.જે. પટેલ તથા એ.બી. જાડેજાએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એ.આર. ચૌધરીને માહિતી મળી હતી કે, ન્યુ સમા રોડ અભિલાષા સોસાયટીમાં રહેતો એક વ્યક્તિ બોગસ માર્કશીટો તેમજ સર્ટીઓ કમ્પ્યુટરમાં ફોટો શોપ તેમજ કોરલ ડ્રો સોફ્ટવેરની મદદથી એક વ્યક્તિ એમ.એસ. યુનિવર્સિટી અને વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટો બનાવે છે. જે માહિતીના આધારે સ્ટાફના મયુરસિંહ, વિકાસભાઇ, બિપીનભાઇ, વિનોદભાઇ, કનુભાઇ, નિતીનભાઇની મદદ લઇ દરોડો પાડ્યો હતો.
પોલીસે દરોડા પાડી બોગસ માર્કશીટ બનાવનાર મુકેશ હિરાલાલ પરમારની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે તેના ઘરમાંથી પારૂલ યુનિવર્સિટીની બનાવટી 6 નંગ માર્કશીટ, 1 ડીગ્રી સર્ટીફીકેટ તેમજ એમ.એસ. યુનિવર્સિટીની કોરી માર્કશીટ, વિદ્યાકુંજ સ્કૂલ, વડોદરાના સ્ટેમ્પ નંગ-2 ઉપરાંત કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્ટેમ્પ, મોબાઇલ ફોન, માર્કશીટ સાઇઝના કોરા કાગળો મળી કુલ રૂપિયા 28,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.જે. પટેલે જણાવ્યું હતું કે, બોગસ માર્કશીટ કૌંભાડમાં ઝડપાયેલા મુકેશ પરમાર અત્યાર સુધીમાં એમ.એસ. યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટીની કેટલી માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ બનાવીને વેચ્યા છે અને કેટલાં રૂપિયા લઇને વેચ્યા છે, તે અંગે પૂછપરછ ચાલી રહી છે. આ મુકેશ પરમારને વર્ષ-2018માં પણ બોગસ માર્કશીટ કૌંભાડમાં માંજલપુર પોલીસે ઝડપ્યો હતો. મુકેશના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. રિમાન્ડ મળ્યા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.