વડોદરા: જિલ્લાના બે બુટલેગરને વિદેશી દારૂની ડિલિવરી આપવા માટે આવેલા બે રાજસ્થાની કેરિયરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. રૂપિયા 1.88 લાખના દારૂ સહિત 8.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા રાજસ્થાની કેરિયરો બેરીકેટ તોડીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે પીછો કરી તેમને ઝડપી પાડ્યા હતા.
વડોદરા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.જે. પટેલ અને એ.બી. જાડેજાની ટીમને રાજસ્થાની બે કેરિયરો બે કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને વડોદરાના બુટલેગરોને ડિલિવરી આપવા માટે આવી રહ્યા હતા. આ માહીતી પોલીસને મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે ગોલ્ડન ચોકડીથી અમદાવાદ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી, અને વિદેશી દારૂ સાથે આરોપીઓને ઝડપી પાડવા માટે રસ્તામાં આડશ મુકી દીધી હતી.
જોકે, કેરિયરોએ પોલીસને જોતા જ આડસ તોડી કાર ભગાડી મુકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, પોલીસે પીછો કરી બંને કારના કેરિયર દોલતસિંહ દેવિસિંહ સીસોદીયા અને ચેતનસિંહ ભગવાનસિંહ ચૌહાણને રૂપિયા 1,88,660ની કિંમતના વિદેશી દારૂ અને બે કાર મળી કુલ રૂપિયા 8,43,960ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
જ્યારે અન્ય બે સોનુ સરદાર અને સોહનસિંહ રાજપુતને વોન્ટેડ જાહેર કરીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.