વડોદરાઃ શહેર નજીક આવેલા ગુજરાત રિફાઈનરીનું કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને નુકસાન થયું હતું. જેથી કોયલી ગામના ખેડૂતોએ વળતરની માગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. કોયલી ગામના સરપંચ રણજીત સિંહ જાદવની આગેવાનીમાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં અધિક નિવાસી કલેક્ટર ડી.આર.પટેલને આવેદનપત્ર પાઠવી પાકને થયેલા નુકસાન બાબતે વળતર આપવા માગ કરી હતી.
કોયલી ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે વડોદરા નજીક આવેલી ગુજરાત રિફાઈનરીમાંથી ઓઈલ વાળુ ગંદુ પાણી કોયલી ગામના 20થી વધુ ખેતરોમાં ફરી વળ્યું હતુ. જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું, સાથે જ કોયલી ગામના રોડ રસ્તાનું પણ ધોવાણ થતાં નુકસાન થયું છે. આ બાબતે છેલ્લા કેટલાક દિવસોથી રિફાઇનરીના સત્તાધીશો સાથે રજૂઆત કરી હતી પરંતુ કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરી વળતર આપવા રજૂઆત કરી હતી.