વડોદરા : ગુજરાતની પ્રથમ લાઈબ્રેરી બરોડા સેન્ટ્રલ લાઈબ્રેરી દેશની તમામ લાઈબ્રેરીઓથી કંઈક અલગ છે. આજથી 113 વર્ષ પહેલા 1910 માં સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ લાઈબ્રેરીનું નિર્માણ કરાવ્યું હતું. આ લાઈબ્રેરીની મુખ્ય ખાસિયત એ છે કે, તેમાં લાઈટ વગર પણ પુસ્તક આપણે વાંચી શકીએ છીએ. લાકડા, ઈંટ, અબરખ અને તાંબાથી નિર્માણ પામેલ આ પુસ્તકાલય અનેક ખાસિયતો ધરાવે છે.
લાઈબ્રેરીની ખાસિયત : લાઇબ્રેરીમાં 352 રેકમાં 4 લાખ પુસ્તકો આવેલા છે. 3 માળના માળખામાં સિમેન્ટ અને ક્રોકીટને બદલે બેલ્જીયમથી આયાત કરેલી કાચની 719 નંગ લાદીઓ જડવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર- દક્ષિણમાં મોટી-મોટી બારી અને પૂર્વ-પશ્ચિમમાં મોટા દરવાજા મુકવામાં આવ્યા છે. જેના કારણે વાચકોને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે છે અને ઉર્જા બચાવી શકાય છે. આ લાઇબ્રેરીની અદભુત બાબત એ છે કે, અહીં લાઈબ્રેરીમાં ફાયરપ્રૂફ દરવાજા પણ લગાવવામાં આવ્યા છે. જેમાં લોખંડની વચ્ચે અબરખ લગાવવામાં આવ્યું છે. જેના કારણે આગ લાગવાના સંજોગોમાં પુસ્તકોને કોઈ નુકસાન થવાની સંભાવના નથી.
4 લાખ પુસ્તકોનું કલેક્શન: આ લાઇબ્રેરી 60 હજારથી પણ વધુ સભ્યો ધરાવે છે. લાઈબ્રેરીમાં વિવિધ 6 ભાષામાં 4 લાખ પુસ્તકો મુકવામાં આવેલ છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને સિંધી ભાષાનો સમાવેશ થાય છે. અહીં 100 જેટલા સામયિકો અને 17 જેટલા વર્તમાનપત્રો આવે છે. હાલમાં અહીં 300 થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ વાંચન માટે આવે છે. ઉપરાંત દરરોજ 300 થી વધુ પુસ્તકો સભ્યો દ્વારા લઈ જવામાં આવે છે.
રાજવી ક્નેક્શન છે: સેન્ટ્રલ લાઇબ્રેરીમાં છેલ્લા 23 વર્ષથી સિનિયર ક્લાર્ક તરીકે ફરજ નિભાવતા ભાવેશ ધોન્ડેએ જણાવ્યું હતું કે, સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ લાઈબ્રેરીની સ્થાપના વર્ષ 1910 માં કરી હતી. મહારાજા સયાજીરાવ વિદેશ પ્રવાસે ગયા જતા હતા. તે દરમિયાન ત્યાંના દેશમાં શિક્ષણ, હોસ્પિટલ , લાઈબ્રેરી અંગે જાગૃતતા જોઈ હતી. ત્યારબાદ સ્ટેટમાં સુવિધા ન હોવાથી સૌપ્રથમ ફરજિયાત શિક્ષણ લાગુ કર્યું હતું. વર્ષ 2010 માં અમેરિકન લાઈબ્રેરીયન મી.વિલિયમ બોર્ડનને ભારત બોલાવવામાં આવ્યા હતા.
લાઈટની જરૂરી જ નથી: એક નવીન લાઈબ્રેરીના ભવનની જગ્યા શોધવામાં આવી. તે સમયે લાઈટ ન હતી અને ભેજવાળા વાતાવરણમાં ભેજના કારણે ઉધઈ લાગવાનું પ્રમાણ વધુ હતું. જેનાથી બચવા માટે એક ખાસ સ્ટ્રક્ચર તૈયાર કરવું જરુરી હતું. જે એડવીન ડ્યુટીને દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ લાઈબ્રેરીની ખાસ વિશેષતા છે કે, આખો દિવસ સૂર્યપ્રકાશ આવતો રહે તે મુજબ તેનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં બારીઓ ઉત્તર- દક્ષિણ અને બારણા પૂર્વ-પશ્ચિમ રાખવામાં આવ્યા છે. જેથી આખો દિવસ આ લાઈબ્રેરીમાં પ્રકાશ મળી રહે અને હવાઉજાસ પણ આખો દિવસ મળી રહે છે.
અનોખી કિતાબ: સર સયાજીરાવ ગાયકવાડ વર્ષ 1906 થી 1910 સુધી વિદેશ પ્રવાસમાં ફરતા હતા. તે દરમિયાન અમેરિકાના પ્રકાશકોએ સર સયાજીરાવ ગાયકવાડને મીનીએચર લાઇબ્રેરી ગિફ્ટ આપી હતી. જેમાં 73 બુકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિલિયમ શેક્સપિયરના બધા નાટકના વોલ્યુમસ છે. આ ઉપરાંત તે ટાઈમની પ્રિન્ટેડ સૌથી નાનામાં નાની ડીક્ષનરી પણ આપવામાં આવી હતી. આપણાં આંગળીના વેઢા ઉપર મૂકી શકાય એટલી નાની ડીક્ષનરી આજે પણ અહીં સચવાયેલી છે. આ પુસ્તકોમાં નાનામાં નાની ભગવદ્ ગીતા, ડિક્શનરી અને ગોલ્ડન થોટ્સ છે. જે માત્ર આંગળીના વેઢા જેવડી છે.
બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1910 માં ગુજરાતમાં સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. મહારાજાએ પોતાની અંગત લાઇબ્રેરીને પ્રજાજનોને લોકાર્પણ કરી હતી. જે માટે થઈને 1910 માં મધ્યવર્તી પુસ્તકાલયની શરૂઆત કરી હતી. એમના પોતાના અંગત ગ્રંથાલયમાં જે પુસ્તકો હતા એ પુસ્તકો પ્રજાજનોને લોકાર્પિત કર્યા હતા. 1910 થી કાર્યરત આ પુસ્તકાલયમાં વર્તમાન સમયે ચાર લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે.-- ડો. પંકજ ગોસ્વામી (સ્ટેટ લાઈબ્રેરીયન, સેન્ટ્રલ લાઈબ્રેરી વડોદરા)
બુક્સનું ડીજીટલાઈઝેશન: વર્તમાન સમય ડિજિટલ અને ટેકનોલોજીનો યુગ છે. ત્યારે મધ્યવર્તી પુસ્તકાલય દ્વારા પ્રજાજનોને ડિજિટલ પુસ્તકો મળી રહે છે. એ માટે 40 હજાર જેટલા પુસ્તકોનું ડિજિટલ કાર્ય પૂર્ણ કરેલું છે અને ટૂંક સમયમાં પ્રજાજનોને ઉપયોગ થાય તે માટે એની વ્યવસ્થા કરવામાં આવશે. આગામી ટૂંક સમયમાં ઈ-લાયબ્રેરી સુવિધા પણ શરૂ કરવામાં આવશે. જેમાં પ્રજાજનો પાંચ હજાર જેટલી ગુજરાતી નોવેલ્સ ઇન કોમ્પ્યુટરના માધ્યમથી લાઇબ્રેરીમાં બેસીને શાંતિથી વાંચી શકશે.
સુવિધાથી સુસજ્જ : તાજેતરમાં સ્માર્ટ લાઈબ્રેરી પ્રોજેક્ટ હેઠળ સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરાને એક કરોડના ખર્ચથી અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી એકાદ માસમાં તેનું કામ શરૂ થશે. આ આધુનિકરણ બાદ ઈ-લાઈબ્રેરી, ઓડિયો-વિઝ્યુઅલ્સ રૂમ, બાળકો માટે કિડ્સ રૂમ, મહિલાઓ માટે પણ અત્યંત સુવિધાજનક રૂમ, સિનિયર સીટીઝન માટે આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ હશે. વાંચકો શાંતિથી લાઇબ્રેરીમાં બેસીને બે થી ત્રણ કલાક વાંચી શકે તેવી એમના માટે પણ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
ગર્વ થાય એવું : સંસ્કારી નગરી વડોદરામાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. સવારે આઠ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી દૈનિક 300 થી વધુ વિદ્યાર્થીઓ આ પુસ્તકાલયમાં વાંચવા આવી રહ્યા છે. ડો. પંકજ ગોસ્વામી અનુસાર અત્યાર સુધીમાં 20-25 યુવક-યુવતીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સારી જગ્યાએ નોકરી પણ મેળવી છે. સંસ્કારી નગરી વડોદરાનું આ એક અમૂલ્ય ઘરેણું છે. આ ઘરેણાની રાજ્ય સરકારના રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માધ્યમથી સાચવણી અને જાળવણી થઈ રહી છે.
લાઈબ્રેરી પણ સ્માર્ટ: આ લાઈબ્રેરી નિત-નવીન સાહિત્ય પ્રજાજનો માટે ઉપલબ્ધ બનાવી રહ્યું છે. રાજ્ય સરકારના રમત-ગમત વિભાગના માર્ગદર્શન હેઠળ ગ્રંથાલય ખાતું સક્રિય રીતે કાર્યરત છે. રાજ્યમાં પ્રજાજનોને અનેક જિલ્લાઓમાં અત્યાધુનિક વાંચન સુવિધા મળી રહે અને અત્યાધુનિક ભવનો મળી રહે તે માટે સરકાર કાર્યરત છેે. ત્યારે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર, મહીસાગર, બોટાદ, વેરાવળ, પાવીજેતપુર, પ્રાંતિજ, વડગામ, મોડાસા દરેક જગ્યાએ નવા અત્યાધુનિક ગ્રંથાલય ભવનોના નિર્માણ કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે સ્માર્ટ લાઈબ્રેરી પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર દ્વારા આણંદ, જામનગર, ભરૂચ, વ્યારા અને સેન્ટ્રલ લાઈબ્રેરી વડોદરા માટે પણ પ્રત્યેક ગ્રંથાલય દીઠ એક કરોડ રૂપિયાની જોગવાઈ મંજુર કરવામાં આવી છે. આ લાઇબ્રેરીઓને સ્માર્ટ લાઈબ્રેરીઓ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નાનકડી અપીલઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કાર્યરત 3500 થી વધુ અનુદાનિત ગ્રંથાલયો છે. જે અનુદાન રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતું હતું. તેમાં લોક ફાળામાંથી મુક્તિ આપીને એમના અનુદાનમાં સો ટકા વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ માટે કેટલા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. સૌ પ્રજાજનોને વાંચન સુવિધા મળી રહે તેની જરૂરિયાત છે. રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રજાજનોને લાઈબ્રેરીનો ઉપયોગ કરવા, બાળકોને પરિવાર સાથે મુલાકાત કરવા અપીલ કરવામાં આવે છે. સેન્ટ્રલ લાઈબ્રેરીના સ્ટેટ લાઈબ્રેરીયને પણ કહ્યું હતું કે, વડોદરાના સંસ્કારી નગરજનો આપ સૌ પરિવાર સાથે આ લાઇબ્રેરીમાં અવશ્ય એક વાર આવો અને આપના બાળકોને આ જ્ઞાનના ખજાનાથી માહિતગાર કરો એવી હું આપ સૌને હું અપીલ કરું છું.