વડોદરા : ફાટક વિહોણાં માર્ગ બનાવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરી કરોડો રૂપિયાના ખર્ચે ઓવર બ્રિજનું નિર્માણ કરાય છે. જે અંતર્ગત ડભોઇ-શિનોર રોડ પર સાઠોદ નજીક રેલવે લાઇન ઉપર 22 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ઉદઘાટન અને લોકાર્પણ થોડા સમય પૂર્વે કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સરકાર દ્વારા ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ફાટક વિહોણાં માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. પરંતુ એક માસના ટુંકા સમયમાં તંત્રએ રાતોરાત થીંગડા મારવા પડયા છે.
સબ સલામ હૈના ગીત : પ્રજાની સુખાકારી માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચે કરે છે, ત્યારે તંત્રના અધિકારીઓની નિષ્કાળજી સરકારના આ સ્વપ્નને ઘૂળમાં ફેરવી રહ્યું છે. જ્યારે બીજી તરફ એવી લોક ચર્ચાઓ ચાલી રહી છે કે, આ ઓવર બ્રિજના કોન્ટ્રાક્ટરે વધુ નફો મેળવવાની લાલચે મટીરીયલની ગુણવત્તાની જાળવણી કે ચકાસણી કર્યા વગર જ કામ કર્યુ છે. આ પુલ ઉપર જણાતી તિરાડો જે આ નિષ્કાળજીનું જીવંત ઉદાહરણ છે. જ્યારે બ્રિજની કામગીરી ચાલુ હતી, ત્યારે વારંવાર દેખરેખ ફરજ ઉપરના અધિકારીઓએ કરી હતી. પરંતુ વિઝીટ દરમિયાન " સબ સલામ હૈ " ના ગીતો ગાઈને વિઝીટ પૂર્ણ કરી હોય તેવું સ્થાનિક લોકોને લાગી રહ્યું છે.
બ્રિજને લઈને ભયનો માહોલ : ડભોઇ-સાઠોદ વચ્ચેના બ્રિજની કામગીરી મહેસાણાની રચના કન્ટ્રક્શન દ્વારા કરવામાં આવી હતી. જે બ્રિજનું લોકાર્પણ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું. પરંતુ આટલા ટૂંકા સમયમાં જ બ્રિજની નીચે બે સ્પાનની વચ્ચેનાં ભાગે તિરાડો પડવા લાગી છે. જે બ્રિજ ના એક છેડેથી શરુ કરી બીજા છેડા સુધી જોવા મળી રહી છે. જેથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. જેથી સ્થાનિક રહીશોએ આ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાનું ધ્યાન દોરી બ્રિજની કામગીરી અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી.
રાતોરાત બ્રિજ પર થીંગડા મારવા પડ્યા : થોડાક સમયમાં બ્રિજ પરનું લેવલ ખોરવાતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે જ કોન્ટ્રાક્ટોની કામગીરીની પોલ ખુલતી હોય છે. ડભોઇ-સાઠોદ રોડ પરના આ બ્રિજની કામગીરી અંગે નાગરિકોએ અગાઉ પણ સવાલો ઉઠાવ્યા હતાં. જ્યારે આજે આ કામગીરીની પોલ સામે આવી હતી. એટલે તંત્રએ રાતોરાત બ્રિજ પર લેવલીંગ અને તિરાડોને ઠીંગડા મારવા માટે દોડતાં જવું પડ્યું હતું. ગુણવત્તાની જાળવણી વગરનાં આ બ્રિજ પર ભવિષ્યમાં જો કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ ? આમ તો બ્રિજની શરૂઆત જ અકસ્માતથી થઈ છે. બ્રિજના ઉદ્ઘાટનના આગલા દિવસે જ એક યુવતીનું કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયુ હતું. એટલું જ નહીં પરંતુ શરૂઆતથી અત્યાર સુધી અસંખ્ય અકસ્માત સર્જાયા છે. જેમાં કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે.
108 સમાન ધારાસભ્યે તાત્કાલિક તપાસ હાથ ધરી : ડભોઇ-સાઠોદ વચ્ચેના બ્રિજ અંગે સ્થાનિક લોકો દ્વારા બ્રિજની ગુણવત્તા અંગે સવાલો ઊભા થતા દર્ભાવતી-ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તંત્રને તાત્કાલિક અસરથી આ બ્રિજની ગુણવત્તા અને ટકાઉપણા અંગે તપાસ શરૂ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ તંત્ર આ બાબતે ઢાંકપિછોડો કરી ટેકનીકલ ઇસ્યુ દશૉવી એક્સપેક્ટેશન જોઈન્ટ દશૉવી, ટેમ્પેચર માટે ડિઝાઇન જોઈન્ટ છે તેમ જણાવ્યું હતું. પરંતુ ધારાસભ્ય એ આ અંગે અંગત રસ દાખવતા જ તંત્ર દોડતું થયું હતું અને બ્રીજ પર થિંગડું મારવા પડયાં હતાં અને આ કામગીરી થતાં જ તંત્રની પોલ ઉઘાડી પડી હતી.
એક્સપેક્ટેશન જોઈન્ટ છે. જે તિરાડ નથી ટેમ્પેચર વેરીએશ માટે ડિઝાઇન જોઇન્ટ છે. કોલ્ડ મીક્ષ ડામરીંગ કરી લેવલીંગ કયું છે. જેથી રાહદારીઓને અગવડ ઉભી ન થાય. તેઓ હાલ થોડાક દિવસ પહેલા જ ડભોઇ ખાતે આ વિભાગમાં ફરજ પર હાજર થયા છે, પરંતુ આ બ્રિજની શરૂઆતમાં રેડિયમના સંકેતોની વાત આવતાં જ તાત્કાલિક અસરથી રેડિયમના સંકેતો લગાવી દેવામાં આવ્યા છે. - અક્ષય જોષી (મકાન અને માગૅ વિભાગના અધિકારી)
બ્રિજની શરૂઆતમાં રેડિયમના સંકેતોનો અભાવ : આ બ્રિજને ખૂલો મુકવામાં આવ્યો પરંતુ આ બ્રિજ પર વારંવાર અકસ્માત સર્જાયા હતાં. જેનું એક કારણ આ બ્રિજની શરૂઆત થાય છે ત્યાં વચ્ચેના ડીવાઈડર પર કોઈપણ જાતના રેડિયમના સંકેતો લગાવેલ ન હતા. જેના કારણે આ બ્રિજ પર અકસ્માતના બનાવો વધતા ગયા છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. તેમજ બ્રિજની ગુણવત્તા અંગે પણ ઘણા સવાલો ઊભા થતા મકાન અને માગૅ વિભાગના અધિકારી અક્ષય જોષીએ તાત્કાલિક અસરથી આ બ્રિજની વચ્ચેની દિવાલ ઉપર રેડિયમના સંકેતો લગાવવા હુકમ કરી કામ પૂર્ણ કરાવ્યું હતું. તંત્ર અને કોન્ટ્રાક્ટ માટે આ બ્રિજની કામગીરીમાં નીચા જોયા જેવું થયું છે, જે એક શરમજનક બાબત બની છે. તંત્ર અને કોન્ટ્રાક્ટની મીલી ભગત અંગે પણ ગરમ ગરમ લોક ચચાઓએ વેગ પકડ્યો છે.