વડોદરા: વિકાસ તો બહુ થઈ ગયો પરંતુ વિચાર શુદ્ધિ લોકોની હજુ થઈ નથી. ભગવાને બનાવેલા જ માણસો ધર્મ નાત-જાતથી લડવામાંથી ઉંચા નથી આવતા. જે ભગવાન પર વિશ્વાસ તમે રાખો છો અને દરેક નિયમ પાળો છો ત્યારે એ પણ ના ભૂલો કે માનવ જાતને પણ ઇશ્વરે બનાવેલી છે. પરંતુ 21મી સદીમાં માણસને માણસાઈ રહી નથી. જાત-નાત ભેદભાવની પટ્ટી આંખો પર લાગી છે. ત્યારે પાદરા તાલુકાના ગામેઠ ગામમાં દલિત પરિવારના મોભીનું મોત થતા અંતિમ સંસ્કાર અટકાવવા મામલે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મૃતદેહ રજડતો રહ્યો: ગામના સ્મશાનમાં સવર્ણોને અંતિમ સંસ્કાર કરવા ન દેતા કલાકો સુધી મૃતદેહ રજડતો રહ્યો હતો. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરી ગામના સરપંચના પતિ સહિત 13 લોકો સામે એક્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી અટકાયત કરી હતી. આ ઘટનાને લઇ પરિવાર જનો સહિત દલિત સમાજના લોકો દ્વારા ન્યાયની માંગણી સાથે વડોદરા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
"પાદરાના ગામેઠા ગામમાં બનેલી ઘટનાને લઈ દલિત સમાજના પરિવાર અને જય ભીમ આર્મી દ્વારા રજૂઆત ને લઈ કલેકટર એ બી ગોરને પૂછતાં આ બાબતે કઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો."
સમગ્ર મામલો શુ હતો: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના 68 વર્ષીય વૃદ્ધ કંચનભાઇ વણકરના મૃતદેહને ગામના એકમાત્ર સ્મશાનમાં ગ્રામજનોએ અંતિમ સંસ્કાર કરવા ન દેતાં ભારે વિવાદ સર્જાયો છે. 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે ગ્રામજનોની સૂચનાથી દલિતોને સ્મશાનથી દૂર અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી હતી. દલિત સમાજ સાથે થયેલા આ કૃત્ય થતાં સમાજના અગ્રણીઓ આજે વડું પોલીસ મથકે પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર કરવા ન દેનાર સરપંચના પતિ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી.
"આ ઘટનાનો ભીમ આર્મી સખત શબ્દોમાં વિરોધ કરે છે. પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તેવી માંગણી કરીએ છીએ. આરોપીઓ જેલમાંથી છુટવા ન જોઈએ. જો તેઓ વહેલા છૂટી જશે, તો તેઓને પ્રોત્સાહન મળશે. પરિવારને ટાંટિયા તોડી નાખવાની અને મર્ડર કરવાની ગામ તરફથી ધમકી મળી છે. જેથી અમે કલેક્ટરને રજૂઆત કરી છે કે, તેઓ જાતે આ કેસની તપાસ કરે અને સરપંચની આખી બોડીને સસ્પેન્ડ કરે"--રાજેશભાઇ સાઠોડ,( ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ)
નિષ્પક્ષ તપાસના આદેશ: આ સમગ્ર મામલે હાલમાં પોલીસ એક્શનમાં આવી છે. આ ઘટનામાં એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ પણ દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા કલેકટર એ.બી.ગોરે નિષ્પક્ષ તપાસ કરીશું તેવી બાંહેધરી આપી છે. તો બીજી તરફ આ સમાજના લોકોની માંગ છે કે જાતિવાદ ખતમ થવો જોઈએ અને એક ગામમાં એક સ્મશાન હોવું જોઈએ. આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.