વડોદરા: વડોદરામાં ચાર વડીલ દર્દીઓ પછી ગોત્રી GMERS હોસ્પિટલમાંથી માત્ર 2 વર્ષની બાળકીએ કોરોનાને માત આપી હતી. બોડેલીની આ કુટુંબના વૃદ્ધ સાજા થયા હતા, ત્યાર બાદ તેમની પૌત્રી પણ સાજી થતા પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી.
ગોત્રી ખાતે કોરોનાની સારવાર માટે અલાયદી સુવિધા ઉભી કરી છે અને ત્યાં જરૂરી સાધન સુવિધાનો પ્રબંધ કર્યો છે. સરકારે નિર્ધારિત કરેલી ગાઈડ લાઈન પ્રમાણે અનુભવી અને તજજ્ઞ તબીબોની દોરવણી હેઠળ યુવા તબીબી અઘિકારીઓ અને નર્સિંગ-પેરા મેડિકલ સ્ટાફ કોરોના યોદ્ધાના રૂપમાં એકજૂટ થઈને સમર્પિત ભાવે દર્દીઓને સાજા કરવાના સમર્પિત પ્રયત્નો કરી રહ્યાં છે. તેમના આ સમર્પણને વધુ એક સફળતા મળી છે. બોડેલીની માત્ર બે વર્ષની બાળકીએ કોરોનાને માત આપી છે.
મોટી ઉંમરના વડીલોની જેમ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ કોરોના માટે હાઈ રિસ્ક ગણાય છે. એવી જાણકારી આપતાં બાળ રોગ તબીબ ડો.લલિત નઈનીવાલે જણાવ્યું કે, આયેશાના દાદા અને વડીલો કોરોના પોઝિટિવ હતા. સદનસીબે આ બાળકી ખૂબ ઓછા લક્ષણો ધરાવતી હતી. અમે એને નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સપોરટીવ સારવાર આપી જેને સફળતા મળ્યાનો અમને આનંદ છે.
સારવાર દરમિયાન આયેશાના 2થી 3વાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે નેગેટિવ આવતા મંગળવારે તેને રજા આપવામાં આવી હતી. આ બાળકી હવે તંદુરસ્ત છે. આ અગાઉ એના દાદા પણ અહીંની સારવાર થી સાજા થયાં છે. આમ, ગોત્રીની મેડિકલ ટીમે આ પરિવારને જાણે કે ખુશીઓની બેવડી સૌગાદ આપી છે. અત્યાર સુધીમાં ગોત્રી હોસ્પિટલની સારવારથી શહેરના ત્રણ અને બોડેલી-છોટાઉદેપુર જિલ્લાના બે મળી ફૂલ 5 દર્દીઓ કોરોના માંથી મુક્ત થયાં છે.
બાળકીના પિતા આહેમદઉલ્લાએ જણાવ્યું હતું કે, મારા-પિતા પોઝિટિવ હતા. એટલે આયેશાની પણ તપાસ કરી. એને ગોત્રીમાં દાખલ કરી લગભગ તેર દિવસ સુધી સારવાર આપી. હવે એ સાજી થઈ ગઈ છે. રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એટલે રજા આપી છે. અહીં સુવિધા સારી છે, સ્ટાફ સારો છે અને ડોકટર સારા છે. કોરોના એક અદૃશ્ય દુશ્મન છે એટલે એનીસામેનું યુદ્ધ અઘરું છે, પડકારજનક છે. તબીબો અને આરોગ્ય સ્ટાફ આ યુદ્ધમાં સારવારની કુશળતા અને સંવેદના દ્વારા જીવન બચાવવામાં યોગદાન આપી રહ્યાં છે. એમની પ્રત્યેક સફળતા વધાવી લેવા અને પ્રોત્સાહન આપવાને યોગ્ય છે.