- પાદરાના આરોગ્ય કર્મીઓએ હડતાલ 5મા દિવસે પણ યથાવત
- આરોગ્ય કર્મી કોવિડ રસીકરણની કામગીરીથી અળગા રહ્યા
- હડતાલને પગલે રસીકરણની કામગીરી મોકૂફ કરવામાં આવી
વડોદરા : સમગ્ર દેશમાં શનિવારથી કોરોના રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારે વડોદરા જિલ્લામાં આવેલા પાદરા તાલુકાના 7 PHC સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડતા રસીકરણની કામગીરી ખોરવાઇ છે. સતત પાંચમા દિવસે પણ પાદરાના 7 PHCના 80 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે.
પાદરાના 7 PHC સેન્ટરના 80 આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયા
રાજ્યના તમામ પંચાયત વિભાગના 7 સંવર્ગના હેલ્થ વર્કરોની અચોક્કસ મુદ્દતની હડતાલ પર જતા શનિવારથી શરૂ થતા રસીકરણના કાર્યક્રમ પર અસર જોવા મળી રહી છે. ખાસ કરી પાદરામાં કણઝટ PHC સેન્ટર પર 100 જેટલા વ્યક્તિ ઓને રસીકરણ કરવાનું હતુ, પરંતુ હડતાલને કારણે તેમનું રસીકરણ મોકૂફ રહ્યું છે.
રસી મૂકશે પણ નહીં અને મૂકાવશે પણ નહીં : આરોગ્ય કર્મચારીઓની ચીમકી
પાદરા PHCમાં કણઝટ, સાધી, મોભા, મુજપુર, ડબકા, ચાણસદ અને કરખડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 80 જેટલા ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સરકાર સ્વીકારે નહીં ત્યાં સુધી હડતાલ પર રહેશે. પાદરાના 80 જેટલા મેલ, ફિમેલ હેલ્થ વર્કર તથા ફાર્માસિસ્ટ તથા લેબ ટેક્નિશિયન જેવા આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર રહેતા, રસીકરણ કાર્યક્રમ પર સીધી અસર જોવા મળી હતી. જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો કર્મચારીઓ પોતે રસી મૂકાવશે નહીં અને બીજાને રસી મૂકશે પણ નહીં. તેમજ આર યા પાર સરકાર સામે લડી લેવાની ચીમકી પણ આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખે ઉચ્ચારી છે.