- રોપા ગામ પાસે 57,700 રૂપિયા સાથે 2 વ્યક્તિની ધરપકડ
- આરોપીના કોવિડ-19ના ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી
- કોંગ્રેસના કાર્યકર મીત પટેલે રૂપિયા આપ્યા હોવાની બંને આરોપીની કબૂલાત
વડોદરા : કરજણ તાલુકાના રોપા ગામ પાસે પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે સમયે સોમવારે રાત્રે 2.30 વાગ્યાના સુમારે રોપા ગામ પાસે એક કાર પસાર થતાં તેને રોકી હતી. કારમાં તપાસ કરતા તેમાંથી રોકડા રૂપિયા 57,700 મળી આવ્યા હતા. કારમાં સવાર વ્યક્તિઓની નાણાં અંગે પૂછપરછ કરતા તેઓ સંતોષ કારક જવાબ આપી શક્યા ન હતા. આથી જિલ્લા ચૂંટણી અધિકારીના જાહેરનામાના ભંગ બદલ રૂપિયા 57,700 રોકડા, કાર અને બે મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા.
કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
આ બનાવમાં સોહિલ મહંમદ ચૌહાણ, વિદનેશ દિલીપભાઇ પટેલ, કરજણ અને મીત પટેલ નામની વ્યક્તિ સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમજ સોહિલ ચૌહાણ અને વિદનેશ ચૌહાણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીના કોવિડ -19 ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી છે. કોવિડ -19 ના ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મતદારોને રીઝવવા માટે નાણાં આપવા માટે નીકળ્યા હોવાની ચર્ચા
જેમાં કોંગ્રેસના કાર્યકર મીત પટેલે રૂપિયા આપ્યા હોવાની બંને આરોપીની કબૂલાત સોમવારે મોડી રાત્રે કરજણ તાલુકાના રોપા ગામ પાસે 57,700 રૂપિયા સાથે 3 વ્યક્તિની ધરપકડ થતાં તાલુકા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઝડપાયેલી 2 વ્યક્તિ સહિત ત્રણ વ્યક્તિ મોડી રાત્રે મતદારોને રીઝવવા માટે નાણાં આપવા માટે નીકળી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઝડપાયેલી બે વ્યક્તિએ કોંગ્રેસના કાર્યકર મીત પટેલે રૂપિયા આપ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે અને રોપા ગામ પહોંચીને રૂપિયા કોને આપવાના છે તેમ જણાવશે તેવું જણાવ્યું હતું.