વડોદરા: દામપુરા ગામના ભાથીજીવાળા ફળિયામાં દિગ્વિજય રણજીતભાઈ પરમાર અને વિક્રમ ઠાકોરભાઈ પરમાર રહેતા હતા. બંને માસૂમ બાળકો તેમના પરિવારના એકના એક લાડકવાયા દીકરા હતા. વહેલી સવારે બંને મિત્રો નાસ્તો લેવા માટે આંગણવાડીમાં જઈ રહ્યા હતા. તેવામાં ગામના જુના રસ્તા પર વર્ષો જૂના મકાન પાસેથી પસાર થતી વેળાએ એકાએક મકાનની 10 ફૂટ ઊંચી માટીની દિવાલ ધરાશાયી થતા બંને માસુમ મિત્રો આ દિવાલના કાટમાળ નીચે દટાયા હતા.
આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા ગ્રામજનો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. તેમજ દીવાલનો કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. જેમાં જેસીબી મશીનનો પણ સહારો લેવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ બાળકો બેભાન હાલતમાં મળી આવતા બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બંને માસૂમોને મૃત જાહેર કર્યા હતા. જેની જાણ ગ્રામજનોમાં તથા બંને બાળકોના પરિવારોને થતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
પ્રાથમિક વિગત અનુસાર બંને બાળકોને શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેમનું મોત નીપજયું હતું. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે બંને બાળકોના મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.