વડોદરા: આત્મહત્યાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા વડોદરામાં પણ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. શહેરના દંતેશ્વર નેહલ પાર્કમાં રહેતા મની ટ્રાન્સફરનું કામ કરતા 40 વર્ષીય વેપારી ગુમ થયા હતા. બાદમાં તેમનો મૃતદેહ હાલોલ પાસે કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતકની પત્નીએ ફરિયાદ કરી છે જેમાં પોલીસે હાલ 3 આરોપી સામે ફરિયાદ નોંધી હોવાનું સામે આવ્યું છે.
"પરિવારે આપેલ સુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધી છે. આ ગુન્હામાં ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે"-- જે એનપરમાર (મકરપુરા પોલીસ મથકના પીઆઈ)
ત્રણ ઈસમો સામે ફરિયાદ: આ મામલે મકરપુરા પોલીસ મથકમાં મૃતક વેપારી આનંદભાઈના પત્ની હેતલ બેન નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપી વિશાલ ચંદુભાઇ જગસાણીયા(રહે. જેતપુર, મોરબી), જયભાઇ ઉર્ફે જયેશ સુરેશભાઇ અમૃતિયા (રહે. જેતપુર, મોરબી) અને જિગ્નેશ અરુણભાઇ વ્યાસ (રહે. એ-154, એપલવુડ ટાઉનશિપ, શાંતિપુરા સર્કલ પાસે, બોપલ, અમદાવાદ)એ મારા પતિ પાસેથી જુલાઈ-2022માં નાણાં લીધા હતા. જે પૈકી 6.80 લાખ રૂપિયા પરત આપ્યા નહોતા.
આત્મહત્યા માટે મજબૂર કર્યા: મૃતકની પત્નીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મારા પતિને મરી જવા માટે મજબૂર કર્યા હતા. તેના ત્રાસથી કંટાળીને મારા પતિ 4 ઓગસ્ટના રોજ ઘરેથી કાર લઈને નીકળી ગયા હતા. માણેકપુર નર્મદા મેઇન કેનાલ પાસે બલેનો ગાડીમાં તેમના બે મોબાઈલ મૂકીને આત્મહત્યા કરી હતી. ત્રણેય આરોપીએ મારા પતિને નાણા પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો. આપઘાત કરવા માટે મજબૂર કર્યા હતા.