વડોદરા: ભારે વરસાદમાં પુરની પરિસ્થિતિ હોય કે પછી અન્ય કુદરતી આફત જ્યારે લોકોની સેવામાં હંમેશા NDRFના જવાનો દેવદૂત બનતા હોય છે. ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સમગ્ર રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદીની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ પરિસ્થિતિમાં વડોદરાના જરોદ NDRFબટાલિયન 06ની 6 ટીમને રાજ્યના ભારે વરસાદી વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે.
6 ટીમો તૈનાત કરાઈ: વડોદરાના જરોદ NDRF 6 બટાલિયનની 6 ટીમો રાજ્યમાં ભારે અગાહીના પગલે રવાના કરવામાં આવી છે. હાલમાં જરોદથી ગીર સોમનાથ- 1 ટીમ,કચ્છમાં- 1 ટીમ, નવસારીમાં- 1 ટીમ, વલસાડમાં- 1 ટીમ, અમરેલીમાં - 1 ટીમ, રાજકોટમાં- 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. જો વધારે વરસાદ અને પુરની પરિસ્થિતિ ઉભી થશે તો અન્ય ટીમો માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હંમેશા કઠિન પરિસ્થિતિમાં NDRF લોકોની સવલતો માટે કટિબદ્ધ જોવા મળતું હોય છે કોઈ પણ નાગરિક કે અન્ય જીવનું જોખમ ન થાય તે માટે હંમેશા કાર્યરત હોય છે.
ભારે થી અતિભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે. તા.19 જુલાઈ થી 21 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. જેને પગલે NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
NDRF એક્શન મૂળમાં: NDRF દ્વારા ચક્રવાત હોય, ભારે વરસાદ હોય કે પછી ભૂકંપ જેવી કોઈ પણ કુદરતી આપત્તિ સમયે કામ કરવા માટે તત્પર હોય છે. NDRF 6 બટાલિયન ટીમ જે-તે સ્થળે જવા માટે બસની સુવિધા છે. આ ઉપરાંત ટીમ સ્નીફર ડોગ, અંધારામાં કામ કરવા માટે બેબી જનરેટરો, રસ્તા ઉપર પડેલા વૃક્ષોને કાપવા માટેના કટરો, રબર બોટ, ટોર્ચ, દોરડું જેવા સાધનો સાથે સજ્જ થઈ ગઈ છે અને અમે જરૂર પડ્યે જે-તે સ્થળે પહોચવા તૈયાર છે.