- સરકારના ખેડૂત વિરોધી અને ખાનગી કરણના કાયદાનો વિરોધ વકર્યો
- વડોદરા સયુંકત કામદાર ટ્રેડ યુનિયને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
- જીલ્લા સેવાસદન ખાતે આવેદનપત્ર પાઠવી, દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યુ
વડોદરાઃ સરકારના ખેડૂત વિરોધી અને ખાનગીકરણના કાયદાઓનો વિરોધ વધી રહ્યો છે. સંયુક્ત કામદાર ટ્રેડ યુનિયનના અગ્રણી રાજેશ આયરેની આગેવાનીમાં ગુરુવારે જીલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
દેશવ્યાપી હડતાળના એલાનને વડોદરા ટ્રેડ યુનિયને આપ્યું સમર્થન
સરકારી સાહસો ઝડપથી થઈ રહેલા ખાનગીકરણના વિરોધમાં સંયુક્ત કામદાર સમિતિ તથા સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વડોદરા જીલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં સંયુક્ત ટ્રેડ યુનિયનના અગ્રણી રાજેશ આયરે, અમીબેન રાવત અને તપનદાસ ગુપ્તા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
કર્મચારીઓના અને ખેડૂતોના હિતમાં સરકાર કાયદો બનાવે તેવી રજૂઆત કરી
કર્મચારીઓ અને ખેડૂત વિરોધી કાયદાઓ તથા સરકારી જાહેર સાહસોના ખાનગીકરણના વિરોધમાં ગુરુવારે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન તથા દેશના તમામ સ્થાનિક ટ્રેડ યુનિયન દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી હડતાળના એલાન કર્યો હતો. યુનિયન દ્વારા કરવામાં આવેલા એલાનનેે સફળ બનાવવા તેમજ કર્મચારીઓ અને ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લે અને કાયદો બનાવે તેવી રજૂઆતને લઈને સંયુક્ત ટ્રેડ યુનિયન કામદાર સમિતિ વડોદરાના આગેવાન રાજેશ આયરે અને કામદાર અગ્રણીઓ સહિતના આગેવાનોએ જીલ્લા સેવાસદનની કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર ડીઆર પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.