- મુથુટ ફાઈનાન્સમાં મોડી રાત્રે ચોરીનો પ્રયાસ
- વડોદરાના 2 હજાર લોકોનું રૂ. 20 કરોડનું સોનું બચ્યું
- બ્રાન્ચ મેનેજરને જોઇ તસ્કરો ભાગી છૂટ્યા
વડોદરા : શહેરના માણેજા ક્રોસિંગ પાસેની મુથુટ ફાઇનાન્સની બ્રાંચ પર ત્રાટકેલા તસ્કરોએ અંદર ઘૂસવા માટે ઇંટ મૂકી શટર ઊંચું કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કર્મચારી આવી જતાં તસ્કર ભાગી ગયા હતા. સિક્યુરિટી સિસ્ટમથી દિલ્હી સ્થિત હેડ ઓફિસમાં વડોદરાની બ્રાંચ પાસે મુવમેન્ટ જણાતાં વિજિલન્સે મોડી રાત્રે બ્રાન્ચ મેનેજરને તપાસ કરવા કહ્યું હતું. જ્યારે મેનેજરે મોકલેલી મહિલા કર્મીને જોઇ તસ્કરો ભાગી છૂટ્યા હતા.
![વડોદરાના માણેજા ક્રોસિંગ પાસેની મુથુટ ફાઇનાન્સની બ્રાંચ પર તસ્કરો ત્રાટક્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9960651_246_9960651_1608570565268.png)
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના માણેજા ક્રોસિંગ પાસે મુથુટ ફાઈનાન્સની બ્રાંચમાં રવિવારના રાત્રે તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બારીમાં લાગેલા સેન્સર એક્ટિવ થઈ જતાં એલાર્મ વાગ્યું હતું. જેની જાણ બ્રાંચના મેનેજરને થતાં તેમણે બ્રાંચ નજીક રહેતાં મહિલાકર્મીને તપાસ કરવા મોકલતાં તસ્કરો ભાગી છૂટ્યા હતા. જેના પગલે બ્રાંચમાં રહેલું 2 હજાર લોકોનું રૂ.20 કરોડનું સોનું બચી ગયું હતું.
બ્રાંચમાં સેન્સર પાસે મૂવમેન્ટ થવાથી એલાર્મ વાગ્યું હતું
ઉલ્લેખનીય છે કે, આજવા રોડ મુથુટ ફાઇનાન્સ બ્રાંચમાં ઓક્ટોબર-2018માં લૂંટનો પ્રયાસ થયો હતો. લૂંટારૂઓએ તમંચો લઈ ઘૂસી જઈ ગ્રાહકોના મોબાઈલ લૂંટી લીધા હતા. જોકે, સાઇરન વાગતાં 4 લૂંટારૂઓ ભાગી ગયા હતા. મુથુટ ફાઈનાન્સના બ્રાંચના હેડે જણાવ્યું હતું કે, માણેજા ક્રોસિંગ પાસે સાંઈ સમર્થ કોમ્પ્લેક્સમાં 2010થી મુથુટ ફાઈનાન્સની બ્રાંચ કાર્યરત છે. બ્રાંચમાં ઈન્ટરનરી ડિજિટલ સિક્યુરિટી સિસ્ટમ લાગેલી છે. બ્રાંચ બંધ થયા પછી સેન્સર પાસે મૂવમેન્ટ થાય તો એલાર્મ વાગે અને દિલ્હી સ્થિત હેડ ઓફિસમાં લાઈટ થાય છે. 19 ડિસેમ્બરે રાતે 2:15 વાગે મને વિજિલન્સ ડેસ્ક પરથી ફોન આવ્યો હતો કે, માણેજા ક્રોસિંગ પાસેની બ્રાંચમાં સેન્સર પાસે મૂવમેન્ટ થવાથી એલાર્મ વાગ્યું છે. જેથી મેં બ્રાંચની નજીકમાં રહેતાં મહિલાકર્મીને તપાસ કરવા જણાવ્યું હતું. મહિલા કર્મી પતિ સાથે રાતના પોણા ત્રણ વાગે પહોંચતાં ત્યાં અવાજ આવતો હતો. જેથી તેમણે ફોન કરતાં પોલીસ પહોંચી હતી. રાત્રે 3 વાગે બ્રાંચ હેડ પણ ત્યાં પહોંચતાં CCTV તપાસતાં જણાઇ આવ્યુ હતું કે, તસ્કરોએ બારી પાસેની ગ્રીલ તોડી એટલે સેન્સરનું એલાર્મ વાગ્યું હતું. બાદમાં મુખ્ય ગેટ પરનું શટર તોડવા લાગ્યા હતા. દરમિયાન કર્મચારીઓ આવી જતાં તસ્કરો ભાગી ગયા હતા.