વડોદરા: નશીલા પદાર્થોનું વેચાણ ચાલી રહ્યું હોવાની વિગતોના આધારે થોડા સમય પહેલાં શહેર પોલીસ દ્વારા નાર્કોટિક્સ સેલની રચના કરવામાં આવી હતી. આ સેલ દ્વારા ગોરવાના શાકભાજીના એક વેપારીની ગાંજા સાથે ધરપકડ કરી છે.
ગોરવાના સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતો અને શાકભાજીની દુકાન ધરાવતો કપિલ કૈલાશ ચંદ્ર અગ્રવાલ નામનો વેપારી જુગારના રવાડે ચડ્યો હોવાથી તેમણે શાકભાજીના ધંધાની આડમાં ગાંજાનું વેચાણ પણ શરૂ કર્યુ હતું. જેની માહિતી એસ.ઓ.જી.ને મળતા આ વેપારી પર વોચ રાખી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે કપિલ અગ્રવાલ પાસે રૂ 15,000ની કિંમતનો દોઢ કિલો ગાંજો અને એક મોબાઈલ ફોન કબ્જે કર્યો બાદ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યુ હતું કે, આ ગાંજો સુરતથી બંગાળી કેરિયર આપી જતો હતો. પોલીસે વેપારીને કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.