વડોદરા : વિશ્વભરમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીમાં લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના મકરપુરા એસ.ટી. ડેપોના પાછળ આવેલા શિવ શક્તિનગરમાં રહેતી 32 વર્ષીય મહિલા દિપાલીબેન રાકેશભાઈ વાઘ લોકડાઉનમાં બાળકીને લઇને ઘરની બહાર નીકળ્યા હતા. જેથી તેમના સાસુએ કોરોના વાયરસ ચાલે છે, અને ઘરની બહાર બાળકીને લઇને તું કેમ ગઇ હતી, તેવો ઠપકો આપતા દિપાલીબેનને લાગી આવતા બે સંતાનોને છોડીને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
જેમાં માતાના મૃતદેહ પાસે જઇને 2 વર્ષની પુત્રી મરેલી માતાને સુવડાવાનો પ્રયત્ન કરી રહેલી જોવા મળી હતી. આ સમયે હ્રદયદ્વાવક દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે મકરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.