- દેણા ગામની સીમમાંથી વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
- મિત્રના લગ્નમાં જવાનું કહી માતા પાસેથી સોનાની ચેન લઈ ઘરેથી નીકળ્યો
- તાલુકા પોલીસે ચોક્કસ તારણ મેળવવા વધુ તપાસ હાથ ધરી
વડોદરા : દેણા ગામની સીમમાંથી એક અજાણ્યા કિશોરનો મૃતદેહ મળી આવતા રાહદારીઓ તેમજ ગ્રામજનો દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારી સહિત તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર નજીક આવેલા કપુરાઈ ગામ રાજ નગર સોસાયટીમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા વિશાલ ભાઈ સનાભાઇ પ્રજાપતિને સંતાનમાં પ્રતીક્ષા, અંકિત અને પ્રિન્સ મળીને એક પુત્રી અને બે પુત્રો છે. જેમાંથી મોટી પુત્રી 19 વર્ષીય પ્રતીક્ષા ધોરણ 12 પાસ કરી કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યારે બીજો પુત્ર 16 વર્ષીય અંકિત ધોરણ 10માં અને સૌથી નાનો પુત્ર પ્રિન્સ ધોરણ 3 માં બંને વાઘોડિયા રોડની અંબે સ્કૂલમાં અભ્યાસ કરે છે. બુધવારે સાંજના 7 થી 7:30 વાગ્યાની વચ્ચે અંકિત પ્રજાપતિ તેની માતા પાસે મિત્રના લગ્નમાં જવું છે, તેમ કહી સોનાની ચેન લઈ ઘરેથી નીકળ્યો હતો. બાદમાં સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ કારમાં મિત્રો સાથે બેસીને ગયો હતો. ત્યારબાદ સવાર સુધી તે ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ગુરૂવારે સવારે શહેર નજીક આવેલા દેણા ગામની સીમમાંથી એક મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયો
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાં મૃતદેહના ખિસ્સામાંથી મોબાઇલ નંબર અને એક ફોટો મળી આવ્યો હતો. જ્યારે તે નંબર પર પોલીસે મૃતદેહ મળ્યો હોવાની જાણ કરતા પરિવારજનોએ સ્થળ પર આવી અંકિતનો જ મૃતદેહ હોવાની ઓળખ આપી હતી. હાલ પ્રાથમિક તપાસમાં તેના ગળા અને છાતીના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અંકિતનો મોબાઈલ અને માતા પાસેથી લઇ ગયેલ ચેન પણ મળી આવ્યો નથી. જે અંગે પોલીસે આકસ્મિક મોત છે કે, હત્યા તેનું ચોક્કસ તારણ મેળવવા મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.