- વડોદરા શહેર નજીક દુમાડ ગામ પાસેથી મળ્યો મૃતદેહ
- શરીર પર ઘા ના નિશાન જોવા મળ્યા
- પોલીસે મૃતદેહની ઓળખ કરવા તપાસ હાથ ધરી
વડોદરાઃ વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામથી દેણા તરફ જવાના રસ્તે પાણીના ખાબોચિયામાંથી ડિકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોએ આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની મળતી માહિતી અનુસાર દુમાડથી દેણા તરફના અંતરીયાળ રસ્તા પરથી પસાર થતાં સ્થાનિકોને ભારે દુર્ગંધ આવતી હતી. જેના પરિણામે રસ્તાની નજીકમાં આવેલા પાણીના ખાબોચિયામાં નજર કરતા ડિકમ્પોઝ થયેલો એક મૃતદેહ સ્થાનિકોને જોવા મળ્યો હતો. પ્રથમ દ્રષ્ટીએ આ મૃતદેહ પુરૂષનો હોવાનુ જાણવા મળતા સ્થાનિકોએ પોલીસને આ સંદર્ભે જાણ કરી હતી. તાલુકા પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા.
પોલીસે પાણીના ખોબિચાયમાં પડેલો મૃતદેહની તપાસ કરતા યુવકની અંદાજીત ઉંમર 35 વર્ષ હોવાનુ સામે આવ્યું છે. તેમજ યુવકના શરીર પર અસંખ્ય ઘા ના નિશાન પણ જોવા મળ્યાં છે. જેથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, યુવકની અંદાજીત બેથી ત્રણ દિવસ પહેલા હત્યા કરી મૃતદેહને રસ્તા પરથી જ પાણીના ખાબોચિયામાં ફેંકી દેવામાં આવ્યો છે. જોકે, યુવકના નામ સરનામ અંગે હજી સુધી કોઇ માહિતી પોલીસને મળી નથી. મૃતક યુવકની ઓળખ કરવા પોલીસે એફ.એસ.એલની મદદ લઇ મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.