વડોદરાઃ વડોદરા જિલ્લામાં શિનોર તાલુકાના અવાખલ ગામની સીમમાં આવેલા બોકડવા વગામાં એક ખેડૂત પોતાના ખેતરે ગયા હતા. તે દરમિયાન નર્મદા કેનાલમાં ગંધ આવતી હોવાથી ખેડૂતે તપાસ કરી હતી. ત્યારે એક દીપડો મૃત હાલતમાં નજરે પડ્યો હતો.
ખેડૂતે વન વિભાગના આરએફઓ સંજય પ્રજાપતિને જાણ કરતા વનવિભાગના તમામ કર્મચારીઓ બોકડવા વગા ખાતે પહોંચી ગયા હતા. નર્મદા કેનાલના સંપમાંથી મૃત હાલતમાં મળી આવેલા દીપડાને બહાર કાઢી શિનોરના મોટા ફોફળિયા ગામે આવેલા નર્સરી ખાતે ટ્રેક્ટરમાં પોસ્ટ મોટર્મ અર્થે લઈ જવાયો હતો. હાલ તો મૃત હાલતમાં મળી આવેલા દીપડાનું મોત કયા કારણોસર થયું તેનું સાચુ કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે, પરંતુ અવાખલ ગામની સીમમાં ચકચાર મચી ગઈ છે.