- BCA દ્વારા કિરણ મોરે ટી - 20 પ્રિમિયર લીગથી ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરાયું
- બરોડા ક્રિકેટ એસોસિએશન વર્ષો જૂનું હોવા છતાં પોતાનું ક્રિકેટ ગ્રાઉન્ડ ન હતું
- મોતીબાગ ક્રિકેટ ક્લબ અને અકોટા ક્રિકેટ ક્લબ વચ્ચે પ્રથમ મેચ
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહેર નજીક વાઘોડિયા ખાતેના કોટંબી ગામ ખાતે પોતાનું સ્ટેડિયમ બનાવી રહ્યા હતા. જે હવે તૈયાર થઈ જતા 19 ડિસેમ્બરના દિવસે ઉદ્ઘાટન કિરણ મોરે ટી 20 પ્રિમિયર લીગથી કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, બરોડા ક્રિકેટ એસોસિએશન(BCA)ના પ્રમુખ પ્રણવ અમીનના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કન્વીનર સત્યજીતસિંહ ગાયકવાડ, શીતલ શાહ સહિત BCAના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
150 કરોડના ખર્ચે 43 વિઘા જમીનમાં 30,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું BCAનું કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ 2022 સુધીમાં તૈયાર થશે
દેશ વિદેશમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્લેયર્સ નામના મેળવી રહ્યા છે, પરંતુ બરોડા ક્રિકેટ એસોસિએશન વર્ષો જૂનુ હોવા છતા એસોસિએશન પાસે પોતાનું ગ્રાઉન્ડ ન હતું. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા નજીક વાઘોડિયા ખાતેના કોટંબી ગામ ખાતે BCAએ પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી હતી. આ ગ્રાઉન્ડનું કામ થોડા સમય પહેલા જ પૂર્ણ થયું હતું.

25 પિચ તૈયાર કરવામાં આવશે
હવે બરોડા ક્રિકેટ એસોસિએશન(BCA) દ્વારા આ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન શનિવારે કિરણ મોરે ટી 20 પ્રિમિયર લીગથી કરવામાં આવ્યું હતું. 150 કરોડના ખર્ચે 43 વિઘા જમીનમાં 30 હજારની બેઠક ક્ષમતા ધરાવતું આ ક્રિકેટ સ્ટેડિયમ બન્યું છે. આ સ્ટેડિયમમાં વિવિધ રાજ્યોમાંની ખાસ 25 પિચ તૈયાર કરવામાં આવશે. જેથી ખેલાડીઓને નેટ પ્રેક્ટિસ માટે અનુકૂળ પિચ પર પ્રેક્ટિસ માટે અન્ય રાજ્યોમાં જવું ન પડે.

વડોદરા જિલ્લામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ ટૂંક સમયમાં રમાય તેવી શક્યતાઓ
દર વખતે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા રણજી ટ્રોફીની મેચો રમાડવા કે ડોમેસ્ટિક મેચ રમાડવા માટે શહેરના રિલાયન્સ સ્ટેડિયમ, મોતી બાગ કે પછી એલેમ્બિક કંપનીનુ એફ.બી કોલોની ખાતેનુ ગ્રાઉન્ડ અને મોતી બાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે લેવુ પડતું હતું. ત્યારે હવે બરોડા ક્રિકેટ એસોસિએશન પાસે પોતાનું ગ્રાઉન્ડ હોવાને કારણે રણજી ટ્રોફીની મેચો કે ડોમેસ્ટીક મેચ માટે હવે ગ્રાઉન્ડ ભાડે લેવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત હવે વડોદરા જિલ્લામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ ટૂંક સમયમાં રમાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આગામી વર્લ્ડ કપ કોટંબી ગામ ખાતે BCAના સ્ટેડિયમમાં રમવામાં આવે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોશિયેશનના અધિકારીઓ ઘણા સમયથી આ સ્ટેડિયમને ઉભું કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. તેવામાં 12 ડિસેમ્બરના રોજ આ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થવાનું હતું. જોકે, વરસાદી માવઠાને કારણે ઉદ્ઘાટન સમારોહ મોકૂફ કરવામાં આવ્યો હતો. જે બાદ શનિવારના રોજ કોટંબી ગામ ખાતે ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગામી વર્લ્ડ કપ પણ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ ખાતે BCAના સ્ટેડિયમમાં રમવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.