- વડોદરામાં શંકાસ્પદ ખાદ્યસામગ્રીને જથ્થો પકડાયો
- ટેમ્પો સાથે પોલીસે બે વ્યક્તિઓની કરી અટકાયત
- જથ્થો બારોબાર વેચી મારવાનું કૌભાંડ હોવાની શંકા વ્યક્ત કરાઈ
સાવલી: વડોદરા જિલ્લાના સાવલીમાં ફોર્ટીફાઇડ બ્લેન્ડેડ કોમ્પોઝિટ ફૂડનો શંકાસ્પદ જથ્થો કબજે કરવામાં આવ્યો છે. રાજ્યસરકાર તરફથી આંગણવાડીમાં આવતાં બાળકો તથા ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે. આવા જ ફોર્ટીફાઇડ બ્લેન્ડેડ કોમ્પોઝિટ ફૂડનો જથ્થો ટેમ્પોમાં લઈ ને જતાં બે વ્યક્તિને સાવલી પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યાં હતાં. સાવલી પોલીસે બંને વ્યક્તિની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
- ફોર્ટિફાઇડ બ્લેન્ડેડ કમ્પોઝિટ ફૂડનો 590 પેકેટ જથ્થો સીઝ
સરકારના બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત બાળકો-ગર્ભવતી મહિલાને આ ખાદ્યસામગ્રી વિતરણ કરાય છે. સાવલી નગરમાં આંગણવાડીમાં બાળકો તેમ જ ગર્ભવતી મહિલાઓ તેમ જ કન્યાઓને શારીરિક રીતે મજબૂત કરવાના આશયથી રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા નિશુલ્ક વિતરણ કરવાનો પોષણક્ષમ ખાદ્યસામગ્રીના શંકાસ્પદ જથ્થા ભરેલા ટેમ્પો સાથે બે વ્યક્તિને સાવલી પોલીસે ઝડપી પાડ્યાં હતાં.
- બાલશક્તિ, પૂર્ણશક્તિ, માતૃશક્તિનો જથ્થો હતો
ગુજરાત રાજ્ય સંચાલિત બાળવિકાસ સેવા યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓ, બાળકો અને કન્યાઓને વિતરણ કરવામાં આવતો ફોર્ટિફાઇડ બ્લેન્ડેડ કમ્પોઝિટ ફૂડનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. જે જથ્થામાં રાજ્ય સરકાર દ્વારા બાલશક્તિના નામે તેમ જ પૂર્ણ શક્તિના નામે તેમ જ માતૃશક્તિના ફૂડ પેકેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. હાલ આ શંકાસ્પદ જથ્થા ને સાવલી પોલીસે 41/1ડી મુજબ સીઝ કરવામાં આવ્યો હતો. સાવલી પોલીસે કુલ વિવિધ માર્કાના 590 પેકેટ રૂપિયા 29,700 તેમજ થ્રી વ્હીલ ટેમ્પો રૂપિયા 65,000 મળી કુલ રૂપિયા 94,700ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.