- સાવલી તાલુકાના વસંતપુરામાં 30 કાગડાના મોત
- બર્ડ ફલૂની આશંકાએ કાગડાના મોત થતા લોકોમાં ભય
- મૃત કાગડાઓને તપાસણી માટે ભોપાલ મોકલાયા
વડોદરાઃ સાવલી તાલુકાના વસંતપુરા પંથકમાં ગુરૂવારે સાંજના સમયે આજુબાજુ અચાનક જ્યારે સમગ્ર પંખીઓ પોતાના માળા તરફ પરત ફરતા હોય તે સમયે 30 જેટલા કાગડાઓના ભેદી સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે. તેમજ સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગામના સેવા ભાવી યુવાનોએ આ મૃતક કાગડાઓને ભેગા કરીને મીઠું ભભરાવીને ખાડામાં દાટી દીધા છે.
સાવલી તાલુકાના વસંતપુરા ગામે અચાનક ટપોટપ 30 જેટલા કાગડાઓના ભેદી સંજોગોમાં મોત થતાં પંથક વાસીઓ બર્ડ ફ્લૂની આશંકા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. વસંત પુરા ગામના સરપંચ અલ્પેશભાઈ રાયના જણાવ્યા પ્રમાણે સાંજના સમયે આશરે 30 જેટલા કાગડાઓ ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર ગામમાં સન્નાટો મચી જવા પામ્યો છે અને ગ્રામજનોએ આ કાગડાઓને બર્ડ ફલૂની આશંકાએ દાટી દીધા હતા.
તંત્ર સતર્ક બન્યું
ગુરુવારે સાંજે સાવલી તાલુકાના વસંતપુરા ગામે સરપંચના ઘર પાછળના વૃક્ષ પરથી 30 કાગડા જમીન પર પટકાયા હતા. તે તમામ કાગડાઓના મોતથી જિલ્લા પંચાયતના પશુ ચિકીત્સક, પશુધન નિરીક્ષક તેમજ પશુરોગ સંશોધન એકમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગ સાથે સંકલન કરી મૃતપ્રાય કાગડાને જીપલોકવાળી પોલિથિલીન બેગ્સમાં પેક કરી થર્મોકોલ બોક્સમાં આઇસક્યુબ વચ્ચે રાખી શુક્રવારે સવારે ભોપાલની હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબોરેટરીમાં ખાસ માણસ સાથે રૂબરું મોકલાવી આપવામાં આવશે.
34 ટીમોને તપાસ માટે 8 તાલુકામાં મોકલાવાશે
આ દરમિયાનમાં જીલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત તેમજ ડો.પી.આર.દરજીએ વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં ઉલ્લેખ્યું હતું કે 34 ટીમ 8 તાલુકાના પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લેશે. મેડિકલ ઓફિસરો અને વેટરનરી ઓફિસરોએ સંયુક્ત સંકલન કરી યોગ્ય પગલાભરી જીલ્લા કક્ષાએ જાણ કરવાની રહેશે. તદુપરાંત દરેક વેટરનરી ઓફિસર પોતાના વિસ્તારના પોલ્ટ્રી ફાર્મ પર બાજ નજર રાખવાની રહેશે.