વડોદરા: એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એક વિદ્યાર્થીનીને ચક્કર આવતા ઢળી પડી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી હતી.
અચાનક સીડી પાસે વિદ્યાર્થીની ઢળી પડી: જાણવા મળતી માહિતી અનુસાર એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીબીએ કોમ્પ્યુટર એપ્લીકેશન ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી ફેઈઝા નામની વિદ્યાર્થીની સીડી પાસે ઉભી હતી. તે સમય દરમિયાન તબિયત લથડતા અચાનક તે ઢળી પડી હતી. આ સમગ્ર બનાવ બનતા અફડા તફડીનો માહોલ સર્જાઈ ગયો હતો અને તાત્કાલિક ફેકલ્ટીના ડીન દ્વારા પ્રાથમિક સારવાર માટે 108 ને કોલ કરીને બોલાવી દેવામાં આવી હતી.
તાત્કાલિક માતા પિતા દોડી આવ્યા: એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બીબીએ કોમ્પ્યુટર એપ્લીકેશન ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર પી.કે. મહેતા દ્વારા વિદ્યાર્થીનીના વાલીને સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બનતા દીકરીના માતા-પિતા તાત્કાલિક દોડી આવ્યા હતા. એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તેને ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક સારવાર આપી: પ્રોફેસર પી.કે. મહેતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે એક છોકરી સીડી પાસે ઉભી હતી. અચાનક તેને ચક્કર આવતા તે ઢળી પડી હતી અને અમારા શિક્ષકોની અચાનક નજર પડતાની સાથે જ તેને ઉપાડી મારી ઓફિસમાં લઈ આવ્યા હતા. શરૂઆતમાં પ્રાથમિક સારવાર આપી જગાડવાની કોશિશ કરી હતી. પરંતુ તે બેહોશ હાલતમાં હતી. જેને લઇને અમે 108 ને જાણ કરી હતી. તેના વાલીને પણ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. વાલી તાત્કાલિક દોડી આવતા વાલી દ્વારા આ દીકરીને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
હાર્ટ એટેકના બનાવો: દિવસને દિવસે બનતા વિદ્યાર્થીઓમાં નવા નવા રોગો પ્રવેશ થાય છે. જેને કારણે કેટલીક વાર વિદ્યાર્થીઓના કુપોષણના કારણે આજની યુવાન પેઢી અવનવા રોગોને આવકારી રહી છે. જેથી તાજેતરમાં નાના બાળકોને હાર્ટ એટેકના બનાવો પણ સામે આવતા ગયા છે. કેટલાક વાલીઓએ તો પોતાના બાળકોને હરહંમેશ ફાસ્ટ ફૂડથી દૂર રહેવા પણ ચેતવી દીધા હતા.