વડોદરા શહેરમાં ગત 28 નવેમ્બર ગુરુવારના રોજ શહેરના નવલખી મેદાન ખાતે સગીરાને ઝાડીઓમાં ખેચી જઇ બે નરાધમોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાના પગલે શહેરીજનોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો હતો. જો કે, ઘટનાના આઠ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે.
વડોદરા શહેરના નવલખી દુષ્કર્મ મામલે આરોપીઓને શોધવા માટે વડોદરા પોલીસ દિવસ રાત એક કરી રહી છે. આ ઘટનાને પગલે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા આવી સગીરાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. નવલખી ખાતે ઘટનાનું જાત નિરીક્ષણ કર્યું હતું અને વહેલી તકે આરોપીઓને ઝડપી પાડવામાં આવશે એમ જણાવ્યું હતું.
ગૃહપ્રધાને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વડોદરાની મુલાકાતે આવેલા પ્રદિપસિંહ જાડેજાએ પીડિતાને સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. દિવાળીપુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ. એસી.જોષી અને વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પીડિતાના પરિવારજનોને રૂપિયા 7 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.