- ગુમ થયેલી સાત વર્ષની તરુણીને સાવલી પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી
- પરિવારજનો સાથે મેળાપ કરાવતામાં ખુશીનો માહોલ
- સાવલી પોલીસનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો
વડોદરા: સાવલી તાલુકાના મુવાલ ગામ તરફના રસ્તે K.J.I.T કોલેજ પાસે રહેતા પરપ્રાંતિય પંકજભાઈ કાંતિભાઈ કટારાની સાત વર્ષની ભત્રીજી તેજલ તેઓના ઘર પાસેથી પાણી ભરવા ગઈ હતી અને પરત ન ફરતા આસપાસમાં શોધખોળ આરંભી હતી. છતાં પણ તેનો પત્તો ન મળતા સાવલી પોલીસને જાણ કરી હતી.
તરુણી ગુમ થતાં અપહરણની શંકાએ પોલીસે જુદી-જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી
સાવલી પોલીસે અપહરણનો ગુનો નોંધી બાળકીના ફોટો સાથે સોશિયલ મીડિયા તેમજ જાહેર જગ્યા ઉપર પોસ્ટરો લગાવી ને શોધવાના તમામ પ્રયત્નો કર્યા હતા અને સાવલી પોલીસ ની પાંચ જેટલી ટીમો બનાવી અલગ અલગ વિસ્તાર અને જિલ્લામાં શોધખોળ કરી હતી. જેમાં સાવલી હાલોલ રોડ પર બાળકીના ફોટો સાથે તપાસ કરતા ચાંપાનેર રેલવે સ્ટેશન પર બાળકી હોવાનું જાણવા મળ્યું હતું. ચાંપાનેર રેલ્વે સ્ટેશન ખાતે સ્વસ્થ હાલતમાં તરુણી મળી આવતા મહિલા ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરાયું હતું.
સાવલી નગરની મહિલા સામાજીક કાર્યકર ટીમને બોલાવીને બાળકીની પૂછપરછ કરી
સાવલી પોલીસે પોતાના સ્ટાફ સાથે ચાંપાનેર રેલવે સ્ટેશને તપાસ કરતા બાળકી સ્વસ્થ હાલતમાં મળી આવી હતી. આમ ગણતરીના કલાકોમાં જ સાવલી પોલીસે બાળકીને શોધી કાઢી હતી. સાવલી નગરની મહિલા સામાજીક કાર્યકર ટીમને બોલાવીને બાળકીની પૂછપરછ કરી હતી. સાવલી પોલીસ મથકના સિનિયર PSI એ.આર.મહિડાએ અને મહિલા પોલીસે બાળકીને નવડાવીને વાળ કપાવીને નવા કપડાં પહેરાવીને પોલીસ પ્રજાનો મિત્ર છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.