- કોરોના કાળમાં સરસ્વતી ધામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ ઉઠ્યા
- નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાળકો નહીં આવવા છતાં કરોડોની ખરીદી કરવામાં આવી
- સામાજીક કાર્યકરે વિજિલન્સ તપાસ કરવાની માગણી કરી
વડોદરાઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં માહિતી અધિનિયમન 2005 હેઠળ માહિતી માગવામાં આવી હતી કે, કોરોના કાળમાં કેટલી અને કયા કયા પ્રકારની ખરીદી કરવામાં આવી છે. જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શાળાઓ બંધ હોવા છતાં 5,27,00,000 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેથી સામાજીક કાર્યકરે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કરોડોની ખરીદી કરવા સામે વિજિલન્સ તપાસની માગણી કરી હતી.
આ પણ વાંચોઃ વલસાડની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, વિદ્યાર્થીઓને કફોડી હાલત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં આરટીઆઈ કરવામાં આવી હતી
સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં એક આરટીઆઈ કરવામાં આવી હતી કે, કોરોના કાળમાં જ્યારે શાળાઓ બંધ હતી. બાળકો શાળાઓમાં આવ્યા ન હતા. ત્યારે કેટલા રૂપિયાની અને કઈ કઈ પ્રકારની ખરીદી કરી છે. તેમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.
શાળાના શિક્ષકો માટે મશીન ખરીદવામાં આવ્યા છે
નાના બાળકો માટે સ્કૂલ મોજાથી લઈને તમામ પ્રકારના ડ્રેસ ખરીદવામાં આવ્યા હતા. સાથે સાથે સ્કૂલના સાધનો જેવા કે ફૂટપટ્ટી, કંપાસબોક્ષ, લંચબોક્ષ, દફતર તમામ ખરીદી કરવામાં આવી છે. શાળાના શિક્ષકો માટે મશીન ખરીદવામાં આવ્યા છે. શાળાના ગ્રાઉન્ડ માટે પણ રમત-ગમતના સાધનો ખરીદવામાં આવ્યા છે.
સંપૂર્ણ ખરીદીમાં 5,27,00,000 નો ખર્ચો કર્યો છે
આ સંપૂર્ણ ખરીદીમાં 5,27,00,000 નો ખર્ચો કર્યો છે. ત્યારે કહી શકાય કે, જ્યારે બાળકો સ્કૂલે આવતા નથી, તો આ કયા પ્રકારની ખરીદી કરી છે. એ તપાસનો વિષય છે. આ બાબતે મેયર, ચેરમેન અને રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યપાલને પણ આવેદનપત્ર આપી, જો આ બાબતની ખાલી કાગળ ઉપર ખરીદી થઈ હોય તો જે પણ જવાબદાર હોય એની સામે પગલા લેવામાં આવે. આ સંસ્કાર ધામ છે, માં સરસ્વતીનું ધામ છે અને ગરીબ બાળકોના નાણાંની ઉચાપત થઈ હોય તેવું અમને લાગી રહ્યું છે, તેમ જણાવ્યું હતું.
માર્ચ મહિનાની 26-27 તારીખની આસપાસ સ્કૂલો બંધ હતી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસણાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2020-21નું બજેટ કે જે અમે એપ્રિલ અને મે મહિનામાં એની ટેન્ડર પ્રક્રિયા કરતા હોય છે. માર્ચ મહિનાની 26-27 તારીખની આસપાસ અમારી સ્કૂલો બંધ હતી. સ્કૂલ બિલ્ડીંગ પાછળ જે ખર્ચ કરવાનો છે. એ બાળકોની હાજરી ન હોય અને સ્કૂલની ભૌતિક સુવિધા વધે એ માટેનો યોગ્ય સમય છે. જેથી કોઇ ડિસ્ટબ ન થાય, તો એ જનરલ બોર્ડના ઠરાવ પ્રમાણે નિર્ણય કરી અને એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
એક વર્ષ કે એક વર્ષથી વધુ શાળાઓ કોરોનાના કારણે બંધ રહી, તો કોઈ અંદાજ ન હતો : શાસણાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા
વધુમાં ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, બાળકોને ઉપયોગ માટેની વસ્તુ જેવી કે, ગણવેશ, બુક, એજ્યુકેશન એપ એની પણ અમે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. એ સમયે એક વર્ષ કે એક વર્ષથી વધુ સમય માટે સ્કૂલ બંધ રહી છે. તો કોઈ અંદાજ ન હતો. બાળકો સમયસર જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે નોટબુક, ગણવેશ સહિત તમામ શૈક્ષણિક સાધનો પર્યાપ્ત માત્રામાં મળી રહે તે હેતુથી જનરલ બોર્ડની સમીક્ષા બાદ નિર્ણય કરીને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારપછી કોરોનાની પરિસ્થિતિ ગંભીર બનતા સ્કૂલ લાંબો સમય સુધી બંધ રહી અને જ્યારે સ્કૂલ ચાલુ કરવામાં આવી. ત્યારે બાળકોને ગણવેશ આપવામાં આવ્યો હતો. ગણવેશ પહેરીને બાળકો સ્કૂલ ઉપર આવતા હતા.
વર્ચ્યુઅલ ક્લાસના માધ્યમથી પણ શિક્ષણ આપવામાં આવે છે
કોરોનાની પરિસ્થિતિ બગડતા પાછું શૈક્ષણિક કાર્ય સ્કૂલમાં બંધ કરવામાં આવ્યું હતું. બીજું કે સ્કૂલ કેમ્પસ અમારું બંધ છે, પણ શિક્ષણ પ્રક્રિયા અમારી ચાલુ છે. વર્ચ્યુઅલ ક્લાસના માધ્યમથી પણ શિક્ષણ આપવામાં આવે છે. જે એજ્યુકેશન કીટ, પાઠ્યપુસ્તક એ બાળકના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. નોટબુકો બાળકોના ઘરે પહોંચાડવામાં આવી નથી. અમારા સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી છે, કારણ કે આ વર્ષનું અમારું બોર્ડ ન હતું.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઈન સંકલન બેઠક યોજાઈ
સ્કૂલ શરૂ થાય એટલે બાળકોને નોટબુક આપવામાં આવશે
જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે નોટબુકોનો ઉપયોગ વધે અને જ્યારે બાળક ઘરે હોય ત્યારે ઉપયોગ ઓછો હોવાથી સ્કૂલ શરૂ થશે ત્યારે નોટબુકો આપવામાં આવશે. એ ગણતરીથી નિર્ણય કરવામાં આવ્યો છે અને સ્કૂલ શરૂ થાય એટલે બાળકોને નોટબુક આપવામાં આવશે. વર્ષ 2021-22ની અંદર એ નોટબુકોને ટેન્ડર પ્રક્રિયામાંથી મુક્તિ મળશે અને એટલી બચત થશે તેમ ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.