- સુરતનાં દંપતિને લૂંટી લેનાર બે પૈકી એક લૂંટારૂ ઝડપાયો
- વડોદરા LCBએ અમદાવાદનાં લૂંટારૂની ધરપકડ કરી
- એરગન અને ચપ્પુ બતાવી 6 લાખની લૂંટ કરી હતી
વડોદરા : લૂંટના બનાવમાં જિલ્લા પોલીસે 150 કિ.મી. સુધીના CCTV ફૂટેજ મેળવી લૂંટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ લૂંટના બનાવમાં સંડોવાયેલા અમદાવાદના મોટા છાપરા ગામની સીમમાં રહેતા ભાઇઓ પૈકી એકની ધરપકડ કરી હતી. રૂપિયા 4.25 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
સંદીપ અને એમના પત્ની ધર્મિષ્ઠા દિવ્યાંગ હોવાથી એમની વ્હીલચેર ખેંચવા માટે 2 હેલ્પર રાખ્યા હતા
કચ્છ ખાતે દીક્ષા સમારોહમાં ઇનોવા કાર લઈને પત્ની ધર્મિષ્ઠા અને પુત્ર પાવન સાથે જઇ રહ્યા હતા. સંદીપ અને એમના પત્ની ધર્મિષ્ઠા દિવ્યાંગ હોઇ એમની વ્હીલચેર ખેંચવા માટે બે હેલ્પર ઇશ્વર ઠાકોર અને સંગીતા ઠાકોર તેમજ ડ્રાઇવર ધનંજય પણ સાથે હતા. દરમિયાન કરજણ નેશનલ હાઈવે નં.- 48 પર શિવશક્તિ હોટલ પાસે કાર ઉભી રાખી તેઓ નાસ્તો કરતા હતા.
આ પણ વાંચો : અજમેર-અમૃતસર ટ્રેનમાં લૂંટ, રેલવે પોલીસે તપાસ હાથ ધરી
એરગન બતાવી રૂપિયા 6 લાખની લૂંટ કરી
બાઈક પર બે અજાણ્યા યુવકોએ આવીને ચાકૂ અને એરગન બતાવી સંદીપએ પહેરેલી રૂદ્રાક્ષની સોનાની માળા, સોનાની બે વીંટી, એક સોનાની લક્કી તેમજ ધર્મિષ્ઠાએ પહેરેલી સોનાના પેન્ડલવાળી સોનાની ચેન, 6 નંગ સોનાની વીંટી અને પુત્ર પાવને પહેરેલ સોનાની ચેન, બે વીંટીઓ આમ કુલ મળીને 6,00,000નો મુદ્દામાલ લૂંટી ગયા હતા.
હાઇવે ઓથોરીટીના કેમેરામાંથી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી
જિલ્લા પોલીસ તંત્રની ક્રાઇમ બ્રાંચ SOG અને કરજણ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા લૂંટનો ભેદ ઉકેલવા માટે કંડારીથી 150 કિ.મી.ના અંતરમાં આવતી હાઇવે ઉપરની હોટલો, કંપનીઓ, હાઇવે ઓથોરીટીના કેમેરામાંથી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં લૂંટ ચલાવનાર અમદાવાદ તરફના હોવાની માહિતી મળી હતી.
આ પણ વાંચો : લૂંટ કરવાના ઇરાદે જતા બે રીઢા શખ્સોને વાસદ પોલીસે હથિયાર સાથે ઝડપી પાડયા
પોલીસે 4,25,190નો મુદ્દામાલ કબજે કર્યો
લૂંટારૂઓ અંગેની દીશા મળ્યા બાદ તપાસ વધુ ઘનિષ્ઠ બની હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મોટા છાપરા ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠા ઉપર રહેતા શ્રવણ રમેશ ઓડ અને અશોક રમેશ ઓડ હોવાની ખાતરી થતાં, શ્રવણ ઓડને સ્થળ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે તેના ભાઇ અશોક ઓડને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કરાયા છે. બંન્ને ભાઇઓ લૂંટ ચલાવ્યા બાદ મુદ્દામાલ તેઓના રહેણાંક સ્થળ પાસે ખાડો ખોદીને દાટી દીધો હતો. જે રૂપિયા 4,25,190નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.