વડોદરાઃ જિલ્લાના ડભોઈ તાલુકાનાં કરનાળી ગામ ખાતે આવેલા કુબેર ભંડારી મંદિરમાં ધાર્મિકની સાથે રાષ્ટ્રીય પર્વોને દેશભક્તિ પ્રોત્સાહક વાતાવરણમાં ઉજવવાની અનોખી પરંપરા છે. આ મંદિર દ્વારા સમાજને ધર્મની સાથે રાષ્ટ્ર ધર્મ પાલનની પ્રેરણા પણ આપવામાં આવે છે. આ પરંપરા અનુસાર રવિવારે કુબેર ભંડારી મંદિરને 71માં પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને રાષ્ટ્રીયતાના રંગોથી સજાવવામાં આવ્યું હતું. કુબેર દાદાને તિરંગાના રંગનો શણગાર કરવામાં આવ્યો હતો. આ કારણે દર્શનાર્થીઓ ધર્મભાવની સાથે રાષ્ટ્રભાવનાથી અભિભૂત થયા હતા.
મંદિર પ્રાંગણમાં કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના મેનેજર રજની પંડ્યાએ મંદિર પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. જેને પૂજારીઓ અને ભાવિકોએ સહઆદર સલામી આપી હતી. ધ્વજ વંદન પૂર્વે અને પછી પવિત્ર ધાર્મિક મંત્રોચ્ચારથી કરવામાં આવ્યો હતો.
રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું કે, વેદોક્ત અષ્ટાધ્યાય રુદ્રીમાં રાષ્ટ્રીય હિતોની સુરક્ષા અને જન કલ્યાણ અભિવર્ધક મંત્રો બતાવવામાં આવ્યા છે. દરેક રાષ્ટ્રીય પર્વે કુબેર ભંડારી દાદા સમક્ષ આ મંત્રોનો પાઠ કરી, ભારતવર્ષની પ્રગતિ અને લોક કલ્યાણનાં આર્શિવાદ માંગવામાં આવે છે. તે પ્રમાણે આજે પણ પવિત્ર શ્લોક પઠન કરવામાં આવ્યું હતું.