વડોદરાઃ જિલ્લામાં ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની ખાસ સારવાર સુવિધા માટે 7 નવા તબીબો અને 5 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે જી.એમ. ઇ.આર. એસ. ગોત્રી ખાતે રાજ્ય સરકારના દિશા નિર્દેશો પ્રમાણે 250 બેડની કોરોનાગ્રસ્તોની સારવાર માટેની ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
તેના માટે ત્વરિત કાર્યવાહી કરીને 7નવા તબીબો અને 5 નર્સિસની ભરતી કરવામાં આવી છે. આ સુવિધા ખાતે ખાનગી દવાખાનાઓના સહયોગથી 26 વેન્ટિલેટર પણ લગાવવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, આ સુવિધામાં જરૂરી માનવ સંપદા ઉપલબ્ધ કરાવવા વિવિધ વિભાગોમાંથી 19 તબીબોને ડેપ્યુટેશન પર મૂકવાની સાથે સયાજી હોસ્પિટલમાંથી નિવાસી તબીબો અને આસિસ્ટન્ટ પ્રોફેસરોને ફરજમાં મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોના 81 જેટલાં તબીબો અને પેરા મેડિકલના પુલની પણ રચના કરવામાં આવી છે. અગમચેતી રૂપે જરૂરિયાત પ્રસંગે સરળતા રહેએ માટે આ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.
કલેક્ટર આઇ.એમ.એ.વડોદરાના સદસ્ય તબીબો, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા અને શહેરના ખાનગી તબીબો સાથે પણ ગ્રૃપ એપ્લીકેશનના માધ્યમથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરી કોરોના સંદર્ભે ઊભી થયેલા પરિસ્થિતિને પહોંચી વળવા ખાનગી હોસ્પિટલો અને તબીબો સ્પેશ્યાલીસ્ટ તબીબો, મેડિકલ અને નર્સીંગ સ્ટાફ તથા વેન્ટીલેટર જિલ્લા પ્રસાશનને આપવા અપીલ કરી હતી.
જેથી ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં વધારાનો સ્ટાફ મુકીને ભવિષ્યને ધ્યાનમાં લઇ આયોજન અને તૈયારીઓ થઇ શકે તેમણે તેમની પાસેના વેન્ટિલેટર અને અન્ય જરૂરી ઉપકરણોની તેમજ વિવિધ સંવર્ગના સ્ટાફની યાદી તૈયાર રાખવા જણાવ્યું હતું. જેથી જરૂરિયાત સમયે એમની સેવાઓ લઈ શકાય.