રાજકોટ : જસદણના આંબરડી ગામમાં આવેલી બોર્ડિંગ સ્કૂલમાં કિશોર વિદ્યાર્થી સાથે ગૃહપતિએ ક્રૂરતાપૂર્ણ કૃત્ય આચર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આંબરડી જીવનશાળામાં આવેલા બગીચાને એકબે દિવસ બાદ સ્વચ્છ કરવાની વાત કરતા વિદ્યાર્થી ગૃહપતિ ઉશ્કેરાઈ ગયા હતાં અને તેમણે વિદ્યાર્થીને રૂમમાં બંધ કરીને વીજ શોક આપ્યો હોવાના આક્ષેપો લાગ્યા છે.
ગૃહપતિ સામે આક્ષેપો : રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગ ખાતે 5 દિવસથી એક 14 વર્ષીય કિશોર વિદ્યાર્થી સારવાર હેઠળ છે. આ કિશોર દર્દીને ભાન આવતા તેણે પોતાના માતાપિતા સહિતના પરિજનોને પોતાની સાથે બનેલ ઘટના જણાવી છે. આ 14 વર્ષીય કિશોર દર્દીએ જણાવ્યું હતું કે આંબરડી બોર્ડિંગના ગૃહપતિ કિશન ગાંગળીયા અને અન્ય ચાર જેટલા લોકોએ તેને સફાઈ સહિતનું કામ ન કરવા માટે વીજ શોક આપી માર માર્યો છે.
આ પણ વાંચો Ahmedabad Crime: ગેમ ઝોનમાં બેડ બોયઝની બબાલ, કિશોરોને માર મારતાં પોલીસ ફરિયાદ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો : વીજ શોક આપી પ્રતાડિત કરવા જેવી ઘટનાના કારણે કિશોર વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો.ં આ બેભાન બાળકને પ્રથમ જસદણ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કિશોર વિદ્યાર્થી પિતા સહિતના પરિવારજનો દ્વારા આંબરડી બોર્ડિંગના ગૃહપતિ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે.
પહેલાં પણ માર માર્યો હતો : તેમણે જણાવ્યું હતું કે તેમનો બાળક છેલ્લા દોઢ વર્ષથી અહીં આંબરડીના બોર્ડિંગમાં રહી અભ્યાસ કરે છે. અગાઉ પણ તેમના પુત્ર દ્વારા બોર્ડિંગમાં કામ ન કરવા બદલ હેરાનપરેશાન કરવામાં આવ્યો હતો. જોકે એ વખતે પરિવારજનોએ બહુ ધ્યાનમાં લીધું ન હતું. કિશોર વિદ્યાર્થી અને તેનો પરિવાર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના એક ગામના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે.વિદ્યાર્થીના પિતા ખેતીકામની મજૂરી સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચો શિક્ષણના ધામમાં શિક્ષા, પ્રાર્થનામાં મોડું થતાં વિદ્યાર્થીઓને ક્રૂરતાપૂર્વક માર માર્યો
શું કહે છે આચાર્ય : કિશોર વિદ્યાર્થીને વીજ શોક આપી માર મારવાના બનાવ સંદર્ભે આંબરડી જીવન શાળાના ગૃહપતિ કિશન ગાંગડીયાએ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે બોર્ડિંગ ખાતે કોઈપણ બાળક પાસેથી કોઈપણ પ્રકારનું કામકાજ કરાવવામાં નથી આવતું. ગત સોમવારના રોજ બાળક રીસેસના સમયે બપોરે ત્રણથી સવા ત્રણની આસપાસ આંબલી ખાવા ઝાડ પર ચડ્યો હતો. જે સમયે હેવી લાઈનના તાર ત્યાંથી પસાર થતા હોવાથી તેને વીજ શોક લાગ્યો હતો અને તેના શરીર પર ઇજા પહોંચતા લોહીલૂહાણ પણ થયો હતો. જેના પગલે તેમજ અન્ય લોકો દ્વારા તાત્કાલિક અસરથી તેને જસદણ ત્યારબાદ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આક્ષેપો ખોટા : કિશન ગાંગડીયાએ વધુમાં જણાવ્યું કે આ ઘટનામાંપરિવારજનો દ્વારા જે કોઈપણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. કોઈપણ જાતની તપાસ માટે અમે તૈયાર છીએ. આ ઘટના બાદ એક નવીન વાત પણ સામે આવી છે જેમાં આ પરિસરની અંદર લાગેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બંધ કેમેરા મરામત માટે બંધ કરી દેવાયા છે.
નિષ્પક્ષ કાર્યવાહીની માગ : આંબરડી જીવન શાળામાં કિશોર વિદ્યાર્થી સાથે બનેલી આ પ્રકારની ઘટના શંકાસ્પદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓે દ્વારા તટસ્થ તપાસ કરી નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે તો કંઈક નવીન ખોલી શકે તેવી શક્યતા છે.જોકે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હોવાનું કેટલાક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. તેથી હાલ સમગ્ર બાબતે તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય હકીકત સામે આવશે તેમ કહી શકાય.