વરસાદને કારણે વડોદરા સમગ્ર જળબંબાકાર બન્યું તે દરમિયાન આજવાના ઉપરવાસમાં એકરાતમાં 14 ઇંચ વરસાદ પડવાથી આજવા સરોવરની સપાટી ઝડપભેર વધતા આજવાના 62 દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા નદીનું લેવલ વધીને 34.50 ફૂટ થઇ ગયું હતું. જેને લીધે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યા હતા. જેના લીધે આશરે 6 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં આજવાનું લેવલ 212.50 ફૂટ થયું હતું અને વિશ્વામિત્રી 34.50 ફૂટે પહોંચી ગઇ હતી. જો કે, દિવસ દરમિયાન ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા લોકોની મુશ્કેલી વધી હતી. પરંતુ વરસાદે વિરામ લેતા આજવા સરોવરની સપાટીમાં આંશિક ઘટાડો થયો છે અને વિશ્વામિત્રીની સપાટી સ્થિર થઇ છે. હાલ આજવાની સપાટી 212.20 ફુટ અને વિશ્વામિત્રી સપાટી 34.50 ફુટ છે.
વરસાદે વિરામ લીધા બાદ હજુ વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અમુક વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રીના પાણી સમા, કારેલીબાગ, ફતેગંજ, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, તુલસીવાડી, નવીનગરી વગેરે વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. જેથી નજીકની શાળાઓમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.