કચ્છ: કચ્છ કે જે ભૌગોલિક રીતે અનેક ફોસીલ્સનો ખજાનો ધરાવે છે. કચ્છનો અમુક ભાગ છે તે એક કોરલ રિફ બેઝ પર વસેલું છે અને આ ભાગો છે તે વિભાજનની રેખા સાથે દેખાઈ રહ્યા છે. તો અહીં કરોડો વર્ષ જૂની નદી પણ આવેલી છે. જેના પર મૂળ કચ્છના અને હાલમાં લંડનમાં રહેતા સંશોધક ડૉ. હિરજી ભુડિયાએ સંશોધન કર્યું છે. આગામી સમયમાં તેમણે અત્યાર સુધીમાં જે ફોસીલ્સ પર જે સંશોધન કર્યું છે, તે અંગે તેઓ વિસ્તૃતમાં બરોડાની એમએસ યુનિવર્સિટી ખાતે લેક્ચર પણ લેવાના છે.
કચ્છની કરોડો વર્ષ જૂની નદી અંગે સંશોધન: ભુજ તાલુકાના સુખપર ગામની ઝડકો અને ઝડકી નદીના ભૂસ્તરશાસ્ત્રીય રહસ્યો વિશે ડૉ.હિરજી ભુડિયાએ etv ભારત સાથે વાતચીત કરી હતી. ઘણી વખત ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓ ઝડકો અને ઝડકી નદી અંગેના વિચારો તેમજ તેની ઉત્પતિના હકીકત અંગે વિરોધાભાસ કરે છે, કારણ કે અહીંના કોરલ રિફના સ્તરોની રેડિયો આઇસોટોપિક ડેટિંગથી કોઈએ અભ્યાસ કર્યો નથી.
જ્યારે ડૉ. હિરજી ભુડિયાએ તેના વિશે લખ્યું છે કે સમુદ્રમાંથી જમીન બહાર આવ્યા પછી પાણીના પ્રવાહ દ્વારા જુરાસિક ખડકોને કોતરીને આ નદી બની હતી. એવું અનેક ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે તેવું હોઈ શકે છે, પરંતુ જ્યારે અહીંની મુલાકાત લીધા બાદ અહીં કેટલાક ફોસીલ્સ સંબંધિત તથ્યો પણ જણાઈ આવ્યા છે.
ભૂસ્તરીય રચના પાણીના વહેણના ઘસારાથી બની: દરિયામાંથી કચ્છની જમીન બહાર આવી એટલે કે કરોડો વર્ષ પહેલાની આ નદી છે. ઘણા લોકો એવું માને છે કે આ જગ્યા પાણીના વહેણના ઘસારાથી બની છે પરંતુ એવું નથી. અહીં સ્થાનિકે મુલાકાત લેતા જોઈ શકાય છે કે અહીં અલગ અલગ રંગોના ખરબચડા ખડકો જોવા મળે છે. તે દરિયાઈ પાણીની અંદર થતી કોરલ રિફ છે અને તેમાં જે સી સ્પોન્જ જેવા જીવો હોય છે. તે મૃત્યુ પામેલા છે. તેથી જુદા જુદા રંગો જોવા મળે છે.
દરિયાના છીછરા પાણીમાંથી કોરલ રિફ બહાર આવી: 13 કરોડ વર્ષ પહેલાં દરિયાના છીછરા પાણીમાંથી આ કોરલ રિફ બહાર આવી છે. જેમાં પાણીનો વ્હેણ થાય છે. જેથી આ નદી કચ્છની પ્રાચીન નદીઓ પૈકીની એક છે. ઝડકો અને ઝડકી નદી આગળ જતા રતિયા ગામની એક નદી સાથે મળે છે અને આગળ જતાં ખારી નદી આવે છે. જે આગળ જતા રુદ્રમતા સુધી જાય છે.
કોરલ રિફ હોવાની પુષ્ટિ: ડૉ. હિરજી ભુડિયાએ આ નદીઓના સંશોધન અંગેના ડોક્યુમેન્ટ્સ, ફોટોસ અને વીડિયો ભારતના શ્રેષ્ઠ અને સિનિયર પેલિયોન્ટોલોજીસ્ટ ડૉ. સંજીબ બિશ્વાસને મોકલીને આ કોરલ રિફ હોવાનું પુષ્ટિ કરી છે. અહીંની કોરલની ઉપરની લેયર 1 થી 1.5 ફૂટની દેખાય છે, તે કોરલ રિફ છે અને તેની નીચે જે દેખાય છે તે સેડીમેન્ટરી લેયર દેખાય છે. આ સેડીમેન્ટરી લેયરના જે દરિયાના પથ્થરો હતા, તેના પર આ કોરલ જીવો પેદા થયા હતા.
કોરલ કેવિંગ્સ દ્વારા ઝડકો અને ઝડકી નદી જોડાયેલી છે: ઝડકો અને ઝડકી નદી વાસ્તવમાં સમુદ્રની નીચે પૂર્વ-અસ્તિત્વમાં રહેલ કોરલ રિફ છે. જુરાસિક સમય પહેલા સમગ્ર કોરલ રિફનું અવશેષીકરણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં તે કોરલ રિફમાં ગુફાઓ અને પાણીની અંદરની ટનલ હતી. આ બન્ને નદીઓ ઝડકો અને ઝડકી અંડર ગ્રાઉન્ડ ટનલ (કોરલ કેવિંગ્સ) દ્વારા જોડાયેલા છે. તેથી ઝડકો બાજુથી લેવામાં આવતા પાણીને ઝડકી બાજુ તેની ભૂગર્ભ જળ ટનલ કેવિંગ્સ દ્વારા ભરાય છે.
અશ્મિભૂત કોરલ રિફ બેઝ ફોલ્ટલાઈન સાથે અહીં જોઈ શકાય: અનેક લોકો ઝડકો નદીની મુલાકાત લે છે પરંતુ અમુક લોકો ઝડકી નદીની મુલાકાત લેવાનું ચૂકી જાય છે, કારણ કે અહીં પહોંચવું મુશ્કેલ અને જોખમી પણ છે. નદીની લંબાઈ તેની લંબાઈ સાથે ફોલ્ટ લાઇન ધરાવે છે અને નદીના પટમાં કોરલ રિફ બેઝનો સંપૂર્ણ ભાગ હતો. અશ્મિભૂત કોરલ રિફ બેઝ વિભાજનની રેખા સાથે અહીં જોઈ શકાય છે.
કચ્છની પ્રાચીન નદીઓ: આપણી કચ્છની નદીઓ અતિ પ્રાચીન નદીઓ છે. ગંગા, યમુના, સિંધુ - સરસ્વતીએ આપણી કચ્છની પ્રાચીન નદીઓની ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ડોટર છે. હિમાલય અને હિમાલયના અશ્મિના અભ્યાસના અહેવાલ મુજબ લગભગ 6.5 થી 7 કરોડ (65-70 મિલિયન વર્ષ) વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. ગંગા નદીનું અવતાર લગભગ 55 મિલિયન વર્ષો પહેલા કહેવાય છે. કુદરતી રીતે ગંગા, સિંધુ, સરસ્વતી હિમાલયના અસ્તિત્વ પહેલા અસ્તિત્વમાં ન હતા.
દરિયાની અંદર જોવા મળતા ખડકો બહાર દેખાય: કચ્છની ઝડકો-ઝડકી નદીઓ અને કચ્છની મુખ્ય ભૂમિની ખારી નદી અને વાગડની ભીમગુડા નદી કરોડો વર્ષ જૂની હોવાનું કહેવાય છે. કચ્છની નદીઓ આશ્ચર્યથી ભરેલી છે, નદીની કોતર, પોટ હોલ્સ કોરલ રિફ બેઝ દર્શાવે છે. દરિયાના પાણીમાં સ્કૂબા ડ્રાઇવિંગ કરીને અંદરની દરિયાઈ સૃષ્ટિ અને દરિયાઈ ખડકો જે જોવા મળે છે તે અહીં બહાર જોવા મળે છે.
કચ્છના વિવિધ વિસ્તારોમાં ફોસિલ્સ પર રીસર્ચ: ડૉ.હિરજી ભુડિયા કે જેઓ વર્ષ 2001ના ભૂકંપ બાદથી કચ્છના વિવિધ વિસ્તારોમાં સંશોધન કરે છે. તેઓ મૂળ કચ્છના જિલ્લામથક ભુજ તાલુકાના માધાપર ગામના વતની છે અને હાલમાં તેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી થયા છે. ભૂતકાળમાં તેઓ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પણ કાર્યરત હતા. ડૉ. હિરજી ભુડિયાએ પોતાનો અભ્યાસ મેડિસિન ક્ષેત્રે કર્યો છે તેમજ તેઓએ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને યુકેની Hertfordshire યુનિવર્સિટીમાંથી ડોકટર, એલએલબી અને એન્જીનીયરીંગની ડીગ્રીઓ પણ મેળવી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તે કચ્છના વિવિધ વિસ્તારોમાં ફોસિલ્સ પર રીસર્ચ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: