વડોદરા: લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં રસ્તા પર કામ વિના નીકળી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આવા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જરૂરી કામ વગર બહાર નીકળી રહેલા વાહનચાલકોના વાહન ડિટેઇન પણ કરવામાં આવી રહ્યા છે.
હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે વડોદરામાં વહેલી સવારે 8 કલાકથી બપોરના 12 કલાક સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે મોટી સંખ્યામાં નાગરિકો બહાર નીકળી રહ્યા છે. લોકડાઉનના ત્રીજા ચરણમાં બિનજરુરી નીકળનારા તત્વોને લઈને હવે પોલીસે કડક હાથે કામ લીધુ છે. પોલીસ આવા તમામ લોકોની પૂછપરછ કરી રહી છે અને જરૂરી કામ વગર બહાર નીકળી રહેલા વાહનચાલકોના વાહન ડિટેઇન કરી રહી છે.
શહેરના કેટલાક વિસ્તારમાં અમુક લોકો પોતાના વાહન પર બેસીને માત્ર મનોરંજન ખાતર શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફરવા નીકળી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં જાહેરનામનો ભંગ પણ થઈ રહ્યો છે. શહેરના આર્યુવેદિક ત્રણ રસ્તા, ચોખંડી, માંડવી, પાણીગેટ અને વાડી વિસ્તારમાં બિનજરુરી બહાર નીકળી પડેલા અનેક વાહનચાલકોના વાહનોને પોલીસે ડિટેઇન કર્યા હતા.