ગુરૂવારના રોજ પોલીસ માર્કેટ સ્ટોરનું લોકાર્પણ ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હવેથી પોલીસ જવાનોના પરિવારોને રાહતદરે અને ગુણવત્તાયુક્ત જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળશે. વડોદરા શહેરના લાલબાગ પાસે આવેલા પોલિસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ માર્કેટ સ્ટોર, જળ શુદ્ધિકરણ કેન્દ્ર, આંગણવાડી અને ચિલ્ડ્રનપાર્કનું લોકાર્પણ રાજ્યના ગૃહપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
હાલ રાજ્યમાં લોક રક્ષકની ભરતી કરવામાં આવી હોવાથી વડોદરામાં 200 મહિલા સહિત 1000 લોક રક્ષકો તાલીમ અર્થે આગામી સમયમાં આવનાર છે. જેથી 1000 તાલીમાર્થી અને એસઆરપી જવાનોના પરિવારને તેમજ નાગરીકો માટે પોલિસ માર્કેટ બનાવવામાં આવ્યું છે.
પોલીસ માર્કેટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય તાલીમાર્થીઓ અને એસઆરપીમાં રહેતા પોલીસ પરિવાર તેમજ નાગરીકોને ઓછા દરે ઉત્તમ ગુણવત્તાયુક્ત વસ્તુઓ મળી રહે. આ ઉપરાંત તાલીમાર્થીઓને 24 કલાક પીવાનું પાણી મળી રહે તે માટે જળ શુદ્ધિકરણનો પ્લાંટ બનાવવામાં આવ્યો છે. તેમજ એસઆરપીમાં રહેતા પોલીસ પરિવારના બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક અને આંગણવાડી બનાવવામાં આવી છે.
આ પ્રસંગે રેન્જ આઇ.જી. અભય ચુડાસમા, વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ તાલીમ શાળાના આચાર્ય આર.જે.સવાણી ઉપસ્થિત રહ્યા હતા.