વડોદરા : શહેરના તુલસીવાડી મેઈન રોડ પર મટનની દુકાનની બાજુમાં ગેરકાયદે કતલખાનુ ચાલી રહ્યું છે. જેમાં પશુઓને ઘાસચારા અને પાણી વગર ક્રુરતાપૂર્વક બાંધી કતલ કરવામાં આવી રહી છે, તેવી બાતમીના આધારે કારેલીબાગ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને સ્થળ પરથી બે ખાટકી ફરહાન યામીન કુરેશી અને વસીમ નઈમ કુરેશી મળી આવ્યા હતા.
પોલીસે તેમને સાથે રાખી તપાસ કરતાં 2 ધારદાર છરા,25 કિલોગ્રામ માંસ, 4 પાડા અને 2 ભેંસ મળી હતી. આ કસાઈઓએ પાણી કે, ઘાસચારા વગર ક્રૂર રીતે પશુઓને ટૂંકા રસ્સાથી બાંધ્યા હતા. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી કતલખાનું ચલાવવાનું લાયસન્સ માંગતા તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે મળી આવેલા માંસના જથ્થામાં ગૌમાંસ છે કે, કેમ ? તેની FSL મારફતે ચકાસણી કરાવી હતી. જેમાં માંસ ભેંસ વંશનું હોવાનું જાણવા મળ્યું હતું. કોર્પોરેશને માંસના જથ્થાનો નાશ કર્યો હતો. જ્યારે પોલીસે 4 પાડા અને ભેંસને સાચવણી અર્થે સયાજીપુરી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી.