વડોદરાઃ વીજ કંપની દ્વારા પાલિકા કચેરી ખાતે ઉભરાતી ડ્રેનેજની સમસ્યા અંગે અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે. છતા પણ ડ્રેનેજની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેને પગલે વીજ કચેરી ખાતે આવતા ગ્રાહકોને ભારે દુર્ગંધ વચ્ચે બિલ ભરવાની ફરજ પડી છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડભોઇ તાલુકામાં વીજ પુરવઠો પુરી પાડતી ટાઉન અને તાલુકાની મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી વેગા રોડ ઉપર આવેલ છે. તાલુકા અને ટાઉનમાંથી બહોળી સંખ્યામાં ગ્રાહકો વીજ સમસ્યા અને લાઇટ બિલ ભરવા માટે આ કચેરી ખાતે આવે છે. ત્યારે કચેરીના પટાંગણમાં જ છેલ્લા 6 માસથી ડ્રેનેજની સમસ્યાને પગલે ડ્રેનેજના દૂષિત દુર્ગંધ મારતા પાણી રોડ ઉપર વહી રહ્યા છે.
આ પ્રદુષિત પાણીના કારણે અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે આવતા ગ્રાહકો તંત્રના પાપે હાલાકીનો ભોગ બની રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારીઓ પણ મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.
હાલ જ્યારે સમગ્ર દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આવી જગ્યા પર કામ કરતા કર્મચારીઓ અને અવારનવાર આવતા ગ્રાહકો ડ્રેનેજના વહેતા પાણીથી ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
તંત્રમાં આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતા કોઇ નિકાલ કરવામાં આવતો નથી.