વડોદરા કાર વરઘોડા મામલો
- પોલીસે આરોપીને નર્મદા જિલ્લામાંથી કરી અટકાયત
- જામીન પર છોડ્યાબાદ નાસતો ફરતો હતો
- જાહેરનામાના ભંગના ગુનો નોંધાયો
વડોદરાઃ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે કારનો ઓવરટેક કરવા બાબતે કેવલ ઉર્ફ દેવલ જાદવને ઢોર મારમારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવમાં પાણીગેટ પોલીસે સુરજ ઉર્ફ ચુઇ રમણલાલ કહાર સહિત 6 હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાદમાં તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
આ હત્યાના બનાવમાં કોર્ટે 4 જૂનના રોજ સુરજ ઉર્ફ ચુઇ કહારને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આરોપી જામીન ઉપર મુક્ત થયા બાદ તેના સાગરીતો ખાનગી કાર લઇને જેલ ખાતે પહોંચ્યા હતા અને સરઘસ કાઢીને વારસીયા વિસ્તારમાં આવ્યા હતા. વારસીયા વિસ્તારમાં પણ તેનું સરઘસ કાઢ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાંચે સુરજ કહાર સહિત તેના સાગરીતો વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સાથે તેની કાર પણ કબ્જે કરવામાં આવી છે. કેટલાક સાગરીતોની ધરપકડ કરી હતી અને હવે PCBએ જાહેરનામા ભંગના ગુનામાં હત્યાના આરોપી સુરજ ઉર્ફ ચુઇ રમણલાલ કહારની નર્મદા જિલ્લાના વરાછા ગામમાંથી ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 3 મોબાઇલ જપ્ત કર્યાં છે. આ આરોપી અગાઉ મારામારી અને દારૂના ગુનામાં પકડાઇ ચુક્યો છે.