વડોદરા: શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પરિવારનો સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. આ આપઘાત પાછળ આર્થિક તંગી જવાબદાર હોય તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. શહેરમાં એક જ મહિનામાં બીજો સામુહિક આપઘાતનો કિસ્સો બનવા પામ્યો છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આધેડ સહિત પત્ની અને પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ સામુહિક આત્મહત્યા છે કે પછી પતિએ પત્ની અને પુત્રની હત્યા કરી છે તે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. હાલ જે માહિતી મળી આવી છે તેમાં 2 ના મોત થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
'અમને વરદી મળી હતી અને તેને લઈને તાત્કાલિક ઘટના સ્થળે પોહચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં એક ડાયરી મળી આવી છે તેમ કઈ જણાતું નથી,પરંતુ આ આપઘાત કે આ પગલાં પાછળ શુ કારણ છે તે અંગે તપાસ કરી રહ્યા છે. જે બનાવ બનેલો છે તેમાં જે પરિવારના વડીલ મુકેશ પંચાલ છે તેઓની ઉંમર આશરે 55 થી 60 વર્ષ છે. પત્ની નયનાબેન પંચાલ છે, જેઓ મરણ પામેલ છે તેઓની ઉંમર 55 થી 60 વર્ષ છે. અને તેમના દીકરા મિતુલ પંચાલ છે જેમની ઉંમર 25 થી 30 વર્ષની આસપાસ છે. હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ અને હાલમાં પ્રાથમિક તારણ આર્થિક સંક્રમણ હોવાનું જાણવા મળ્યું છે. મકાન ખાલી કરવા અંગે મકાન માલિકની પૂછપરછ હાલમાં ચાલી રહી છે.' -અભય સોની, ડીસીપી
હત્યા કે સામૂહિક આપઘાત કારણ અકબંધ: પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા પિરામિતર રોડની કાછીયા પોળ ખાતે ભાડાના મકાનમાં રહેતા પંચાલ પરિવારએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલમાં આ સામૂહિક આત્મહત્યા છે કે અન્ય કશું બનાવ બન્યો છે તે તો પોલીસ તપાસમાં બહાર આવશે. બે ના મોત થયા હોવાનું સામે આવ્યું છે તો બીજી બાજૂ પુત્રના પિતા સારવારમાં છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા: મુકેશ પંચાલ કાછીયા પોળમાં પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. જ્યારે ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બાજવતા હતા. આજે સવારે સાડા છ કલાકે તેઓએ ઘરમાંથી બચાવો બચાવોની બુમો પડતા પાડોશીઓ દોડી આવ્યા હતા. મુકેશ પંચાલ પોતે લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. સમગ્ર મામલાની તપાસ માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા. આ મામલે ઘટના સ્થળે એફએસએલની ટીમ પણ પોહોંચી તપાસ શરૂ કરી હતી. હકામાં આર્થિક સંક્રમણ જવાબદારી હોવાની માહિતી સામે આવી છે. પરંતુ સાચું કારણતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે પુત્ર અને પત્નીની હત્યા કરી છે કે આત્મહત્યા થઈ છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા: હાલમાં પોલીસે પુત્ર અને માતાનો મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. જ્યારે મુકેશભાઈ પંચાલની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ હાલમાં વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી કરી રહી છે. આ પરિવાર છેલ્લા પાંચ વર્ષથી આ મકાનમાં રહેતો હતો. અને આજે મકાન ખાલી કરવાનું હોવાની માહિતી પણ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. ત્યારે આર્થિક ભીસના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. આ અંગે સ્થાનિક રહીશ અને પ્રત્યક્ષ ઘટના સ્થળે પોહચનાર નીતિનભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું સૂતો હતો અને મારા મિત્રએ ઉઠાડ્યો કે આવી ઘટના બની છે. બાદમાં હું ઉપર જઈને જોયુ હતું ત્યારે યુવક ગળેફાંસો લટકેલ હતો તેને નીચે ઉતાર્યો હતો. માતાએ ઝેરી દવા પીધેલ હાલતમાં જોવા મળ્યા હતા. મુકેશભાઈને હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે હું ત્યાં ન હતો.