અમદાવાદ: ગત ગુરુવારની રાતે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું હતું, તેમના નિધનથી દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. દેશ અને વિદેશમાંથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે, ત્યારે અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ડૉ. મનમોહન સિંહના સન્માન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, સોમવાર તારીખ 30 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદના એલિસબ્રિજ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે સાંજે પાંચ વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન કર્યુ છે. જેમાં વિવિધ સામાજીક સંસ્થા, ધાર્મિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, વિવિધ એસોસિએશન, પત્રકારો, રાજકીય પક્ષના આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નાગરિકોને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
મહત્વપૂર્ણ છે કે, શનિવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિરંગામાં લપેટાયેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીના એમ્સમાં નિધન થયું હતું, તેઓ 92 વર્ષના હતા. તેઓ ભારતના 13મા વડાપ્રધાન અને આ પ્રતિષ્ઠિત પદ સંભાળનાર પ્રથમ શીખ નેતા હતા. મનમોહન સિંહે મે, 2004 થી મે, 2014 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારનું નેતૃત્વ કર્યું હતું.
આ પણ વાંચો: