વડોદરા: ઉંડેરા રોડ ઉપર પેટ્રોલપંપ નજીક બે શ્રમિકોને વીજ કરંટ લાગતાં એક શ્રમિકનું મોત થયું હતું, જ્યારે બીજો શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ મામલે પોલીસ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કેવી રીતે બની ઘટના: જાણવા મળતી માહિતી મુજબ નજીક ઉંડેરારોડ ખાતે પેટ્રોલપંપ નજીક એક ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ઊંચી સીડી લઈને જઈ રહ્યા હતા. ત્યારે અચાનક હાઈ વોલ્ટેજની વીજ લાઈન સાથે આ સીડી ટચ થતા જ બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું, જ્યારે બહારણ જગુભાઈ ચૌહાણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
MGVCLના ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટે જાણકારી આપી હતી કે રિલાયન્સના ગ્રાઉન્ડની અંદર બે વ્યક્તિને કરંટ લાગ્યો છે. આ બાબતે જાણકારી મળતાની સાથે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. કામગીરી દરમિયાન માણસો એલ્યુમિનિયમની સીડી લઈ પસાર થતાં હાઈટેન્શન લાઈન સાથે સીડી ટચ થતાં અકસ્માત સર્જાયો હતો. જેથી મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ લાઈનનો પુરવઠો બંધ કર્યો હતો. જેથી વઘુ તકલીફ ઉભી ન થાય.
પોલીસ ફરિયાદ નોંધાઈ: ઉંડેરા વિસ્તારમાં વીજ કરંટ લાગ્યો હોવાનો બનાવ બન્યો છે. જ્યાં સીએનજી પંપની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન બ્રિજેશ મદનભાઈ યાદવ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે. જ્યારે બહારણ જગુભાઈ ચૌહાણને ગંભીર ઇજાઓ થતા હાલમાં ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. જેઓની તબિયત સુધારા તરફી છે. બંને કામગીરી ચાલી રહી હતી, તેની આસપાસ રહેતા હતા. હાલમાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.