- ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવાર અક્ષય પટેલે કોરોનાની ગંભીરતા નેવે મૂકી
- કરજણમાં ભાજપે યોજ્યો રોડ-શો
- માસ્ક ઉતરેલી હાલતમાં અનેક કાર્યકરો નજરે પડ્યા
વડોદરાઃ કરજણ વિધાનસભા બેઠકમાં યોજાનારી પેટા ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે બન્ને પક્ષ દ્વારા મતદારોને આકર્ષવા માટે નવા-નવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રવિવારના રોજ કરજણ ખાતે ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના સમર્થનમાં રોડ-શો યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં કાર્યકરોની ભીડ એકત્ર થતા સત્તાધારી પક્ષે જ સરકારના કોવિડ-19ના નીતિ-નિયમોની ઐસીતૈસી કરી હતી.
રોડ-શોમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
આયોજીત રોડ-શો ભાજપ કાર્યકરોની બાઇક રેલી સાથે યોજાયો હતો. ભાજપ કાર્યાલયથી નીકળેલી રેલી કરજણ, શિનોર, પોર વિધાનસભા મત વિસ્તારમાં પરિભ્રમણ કરી ભાજપ કાર્યાલય ખાતે પરત ફરી હતી. કારોના કાફલા તેમજ બાઇક્સ સાથે ભાજપના કાર્યકરો રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.