વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલમાં મંગળવાર સાંજના 7 કલાકે એકાએક કોવિડ સેન્ટરમાં આગ લાગી હતી. જેને લઈ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા તાત્કાલિક SSG હોસ્પિટલ ખાતે પહોંચી દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ કોરોના માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નિમાયેલા OSD ડૉ. વિનોદ રાવ, પોલીસ કમિશનર, સાંસદ, મેયર, સહિતના રાજકીય નેતાઓ સહિત પોલીસ કાફલો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. દર્દીઓ અને તેમના સંબંધીઓ સહિત હોસ્પિટલના સ્ટાફનો જીવ પડીકે બંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાં દર્દીઓ જીવતા ભડથું થઈ ગયાની ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને રાજ્યની તમામ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ ફાયર સેફટીના સાધનોનું ચેકીંગ બાદ થોડા દિવસ પૂર્વજ તંત્ર દ્વારા મોકડ્રિલ પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં મંગળવારે આગની ઘટનાએ તંત્રની ઘોર બેદરકારી છતી કરી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. જેમા કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીઓના મોત થયા હતા.
મળતી માહિતી અનુસાર SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીના વેન્ટિલેટર, ઓક્સિજનના મોનિટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જેને કારણે ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતા દર્દીઓ સહિત તેમના પરિજનો અને હોસ્પિટલના સ્ટાફમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
આગ લાગવાના બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ, પોલીસ , રાજકીય નેતાઓ SSG હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને દર્દીઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢવા તજવીજ હાથ ધરી હતી. કુલ 35 દર્દીઓને રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જે દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરની ખાસ જરૂર હોય તેવા દર્દીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.