- અગાઉ સાફ કરવામાં આવેલા 22 પગથિયા ફરી સાફ કરવામાં આવ્યા
- પાલિકા ઓવરાના સફાઈ માટે કર્મીને ફાળવે તેવી માગ
- આસપાસના સમાધિસ્થાન થતાં મંદિરોની પણ સફાઈ હાથ ધરાઈ
વડોદરાઃ શહેરની નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરની નજીક આવેલા વિશ્વામિત્રી તટના ઓવરાની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આગામી દિવસોમાં ઓવરાના બાકી પગથિયાની પણ સફાઈ હાથ ધરાશે
શહેરના રક્ષક એવા નવનાથ મહાદેવના મંદિરોની સાર સંભાળ સાથે જિર્ણોદ્ધારનું બેડું નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા ઉઠાવવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે અને મંદિરોની સાથે તેના આસપાસના વિસ્તારની પણ સાફ સફાઈ કરવામાં આવે છે. વિશ્વામિત્રી નદી તટે આવેલા નવનાથ પૈકીના એક કામનાથ મહાદેવના ઓવરાની સાફ-સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના મુખ્ય અગ્રણી નિરજ જૈન તેમજ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ સહિત નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના સભ્યોએ હાજરી આપી ઓવરાની સફાઈ કરી હતી.
આ સફાઈ ઝુંબેશ વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી યોજવામાં આવ્યો
જેમાં અગાઉ સફાઈ કરવામાં આવેલા 22 પગથિયાની ફરી એકવાર સફાઈ કરવામાં આવી હતી. આ સાથે જ પાસે આવેલા સમાધિસ્થાનો અને મંદિરોની પણ સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી. નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના મુખ્ય અગ્રણી નિરજ જૈને જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ગાયકવાડ શાસનથી વડોદરાનું રક્ષણ કરતા નવનાથ મહાદેવ પૈકીના એક કામનાથ મહાદેવના ઓવરાની સફાઇ ઝુંબેશ અગાઉ હાથ ધરવામાં આવી હતી અને 22 પગથિયા સાફ કરવામાં આવ્યા હતા, પરંતુ સમય વિતતા વિશ્વામિત્રી નદીમાં ચોમાસાની ઋતુમાં પાણીની આવક થતાં ફરી એકવાર પગથિયા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું.
પાલિકા ઓવરાના સફાઈ માટે કર્મીને ફાળવે તેવી માગ
જેને લઇ વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી ઓવરાના 22 પગથિયા તેમજ આસપાસમાં આવેલા સમાધિ સ્થાનો તથા મંદિરોની સફાઇ હાથ ધરવામાં આવી છે તથા વડોદરા મહાનગર પાલિકા પાસે અમે માગ કરીએ છે કે, ઓવરાની સફાઈ માટે પાંચ સફાઈ સેવકોની કાયમી નિમણુંક કરવામાં આવે સાથે જ વધુમાં જણાવ્યું હતું કે, આ ઓવરો ગંગાઘાટની જેમ જ છે. તેથી તેની જાળવણી ખુબ જ જરૂરી છે.