વડોદરા શહેરમાં પોલિયો નાબુદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઠેરઠેર વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાળકોને પોલિયો નાબુદીની રસી પીવડાવવામાં આવી હતી.
બીજીતરફ પાલિકાના કરાર આધારીત કર્મચારીઓને ભરતી પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવાની માગ સાથે કરાર આધારિત અર્બન હેલ્થ સેન્ટરોના કર્મચારીઓએ માથે કાળી પટ્ટી ધારણ કરી બાળકોના આરોગ્ય માટે પોલિયો રસી પીવડવાની કામગીરીમાં જોડાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા હસ્તક અર્બન હેલ્થ સેન્ટરોમાં 364 જગ્યાઓ ભરવા સરકાર દ્વારા આદેશ કરાયો છે.
આ જગ્યાઓ કરાર આધારિત કાર્ય કરતા કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગણી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
અર્બન હેલ્થ સેન્ટરમાં કરાર આધારિત કામ કરતા ફાર્માસિસ્ટ, લેબર ટેક્નિશિયન, ફિમેલ હેલ્થ વર્કર વગેરે અગિયાર મહિનાના કરાર આધારિત કામ કરે છે. જેઓને આગામી ભરતી પ્રક્રિયામાં પ્રાથમિકતા આપવામાં આવે અને પાલિકામાં કોન્ટ્રાકટ સિસ્ટમ બંધ કરી કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી માગ સાથે આજે આ કર્મચારીઓએ માથે કાળી પટ્ટી ધારણ કરી પોલિયોની કામગીરીમાં જોડાયા હતા.