વડોદરાઃ ભાયલી ગામ પંચાયત દ્વારા 60 જેટલાં પરપ્રાંતીયો પાસેથી 700 લેખે 42,000થી વધુ રકમની ઉઘરાણી કરતાં શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો. કોરોના વાઇરસના કહેર વચ્ચે લોકડાઉનના કારણે તમામ લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે, તેવામાં શ્રમિકોની હાલત ખૂબ જ દયનીય છે. પોતાના વતન યુપીથી હજારો શ્રમિકો રોજગારી માટે ગુજરાતમાં આવતા હોય છે, પરંતુ લોકડાઉનના કારણે તમામ શ્રમિકોની આવક બંધ થઈ જતા હજારોની સંખ્યામાં શ્રમિકો અટવાઈ ગયા છે.
સરકાર દ્વારા ફસાયેલા શ્રમિકોને તેમના વતન પરત મોકલાવવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા ગરીબ શ્રમિકો પાસેથી ટીકીટના પૈસાની ઉઘરાણી કરવામાં આવતા રાજકારણ ગરમાયુ હતું. ભારે હોબાળા બાદ યુપી સરકાર દ્વારા બેરોજગાર શ્રમિકોને તેમના વતન મફતમાં મોકલાવવાની વ્યવસ્થા ઉભી કરી છે. છતાં શહેર નજીક આવેલા ભાયલી ગામમાં પંચાયત દ્વારા ગરીબ શ્રમિકો પાસેથી પૈસાની ઉઘરાણી કરાતા શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.
ભાયલી પંચાયત દ્વારા 60 જેટલા શ્રમિકો પાસેથી 700 લેખે અંદાજે 42 હજારથી પણ વધુ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી, પરંતુ શ્રમિકોના હોબાળા બાદ તમામ શ્રમિકોને પંચાયત દ્વારા ઉઘરાવેલા પૈસા પરત આપી દેવામાં આવ્યા હતાં.
સમગ્ર મામલે ભાયલી ગામના સરપંચે પોતાનો લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે, ભાયલી પંચાયતમાં સરકારના પરિપત્ર પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે અને પરપ્રાંતીયોને બે દિવસ બાદ તેમના વતન યુપી મોકલાવવામાં આવશે.