- ગાયે મોપેડચાલકને અડફેટે લીધા
- જમીન પર પટકાતા વૃદ્ધને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી
- ઈજાગ્રસ્તને લોકોએ સારવાર આપી
વડોદરા: શહેર નજીક ઉંડેરા ગામ પાસે રાત્રિએ રોડ ઉપર આળી આવેલી ગાયે વૃદ્ધ મોપેડચાલકને અડફેટે લેતા તેઓ જમીન પર પટકાતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તેઓને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્ટ્રીટલાઈટો બંધ હોવાના કારણે સર્જાયો અકસ્માત
વડોદરા શહેર અને તેની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં રખડતાં ઢોરોને કારણે અનેક અકસ્માતોના બનાવ બન્યા છે. રાત્રિએ પણ કોયલી ગામથી ગોરવા સ્ફુટી લઈને જઈ રહેલા પ્રવીણભાઈ પટેલને ઉંડેરા રામદેવ પાર્ક પાસે ગાયે અડફેટે લેતા તેઓને ગંભીર ઇજા પહોંચતી હતી. બનાવ અંગે ઘટના સ્થળે લોકટોળાં ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તને પ્રથમ પ્રાથમિક સારવાર આપી 108 મારફતે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સર્જાયેલા અકસ્માતમાં સ્ફુટીને પણ નુકશાન થયું હતું.
આ પણ વાંચો: મહેસાણામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનોના મોત
સ્ટ્રીટ લાઈટો બંધ તેમજ રખડતા ઢોરોના કારણે અકસ્માતો થતા હોવાથી લોકોમાં રોષ
વૃદ્ધના માથામાંથી લોહી નીકળતું હોવાથી સ્થાનિકોએ 108ની રાહ જોયા વિના તાત્કાલિક ઈજાગ્રસ્તના માથામાં રૂ દબાવી પાટાપિંડી કરી હતી. મોડે-મોડે એમ્બ્યુલન્સ આવતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે આ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ હોવાથી અનેક અકસ્માતના બનાવો બન્યા છે, તેમજ અહીં વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.