વડોદરા: આજના સમયમાં એવા કિસ્સાઓ સામે આવે છે જે સાંભળીને ચોંકી જવાય છે. વડોદરામાં પણ એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુષ્કર્મનો ભોગ બનેલા સગીરા પ્રેગનન્ટ બન્યા હતા. જે બાદ હાલ જે માહિતી મળી રહી છે તે અનૂસાર તે બાળકનું મોત થયું છે. જોકે, દુષ્કર્મ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
દીકરી પ્રેગનન્ટ હોવાનું જાણવા મળ્યું: બનાવની વિગતો એવી છે કે, શહેરમાં રહેતો શ્રમજીવી પરિવાર છેલ્લા કેટલાક મહિનાથી અમદાવાદમાં સ્થાયી થયો હતો. વડોદરાથી અમદાવાદ સ્થાયી થયેલ પરિવારની દીકરી ઘણા સમયથી બીમાર રહેતી હતી. માતા દ્વારા અવાર-નવાર અર્બન હેલ્થ સેન્ટરમાં દવા લેવડાવવામાં આવતી હતી, પરંતુ યોગ્ય સારવાર ન લાગતા આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવા માટે લઈ ગયા હતા. બાદમાં તબીબે સોનોગ્રાફી કરતા દીકરી પ્રેગ્નેન્ટ હોવાનું જાણવા મળ્યું હતું.
બાળકનું મોત નીપજ્યું: માતા પિતા કઈ સમજે તે પહેલા ત્રણ દિવસ અગાઉ દીકરીને પેટમાં અસહ્ય દુખાવો ઉપાડતા ફરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં વોશરૂમમાં જતા જ દીકરીએ બાળકને જન્મ આપ્યો હતો. જૂજ સમય વીતતા બાળકનું મોત નીપજ્યું હતું. માતાએ કુંવારી દીકરીને જન્મેલ બાળક અંગે પૂછતાં આદિત્ય નામના યુવક સામે પ્રેમસંબંધ હોવાની વાત દીકરીએ કરી હતી. તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત ખુલી હતી. આ મામલે અમદાવાદ પોલોસે દુષ્કર્મનો ગુન્હો નોંધ્યા બાદ તપાસ કરવામાં આવી રહી છે.
"હાલમાં ફરિયાદના આધારે તપાસ ચાલુ છે. પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી આરોપીની શોધખોળ ચાલુ છે"-- સી.આર.જાદવ (કારેલીબાગ પોલીસ મથકના પી.આઈ)
માતા-પિતા માટે લાલબત્તી સમાન: આદિત્ય નામના યુવકને શોધવો પોલીસ માટે પડકાર રૂપ સાબિત થઈ શકે છે. આ બનાવ અંગે પોલોસે હાલમાં ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ અનુસાર અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા 10 દિવસમાં સગીર કન્યા માતા બની હોવાનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ કુંવારી દીકરી સાથે થયેલ બળાત્કાર બાદ બાળકનો જન્મ થયો હતો અને માતાનું પ્રસુતિ દરમિયાન મોત નિપજ્યું હતું. આ બાળકને હાલ નંદેસારી પોલીસની શી ટીમ દ્વારા જાળવણી કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે માતા પિતા માટે કુંવારી દીકરી માટે લાલબત્તી સમાન કિસ્સા સામે આવ્યા છે. જે એક પડકાર રૂપ સાબિત થઈ શકે છે.