વડોદરા: સમગ્ર ગુજરાતના લોકો બિપરજોય વાવાઝોડાનો ખતરો હતો. વહીવટી તંત્રએ તમામ વીજ કંપનીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ગમે ત્યારે સંકટ આવે તેવી સ્થિતિ છે .પરંતુ " પ્રજા કી એસી કી તેસી"કરનારા કર્મચારીઓ પોતાની પાર્ટીઓ કરવામાં ચકચૂર થઈ ગયા છે. ત્યારે વડોદરાના પાદરા ખાતે આવેલી MGVCL વિભાગ-1ની કચેરીમાં નાયબ ઇજનેર સહિત ત્રણ કર્મચારીઓ સ્ટોર રૂમ બંધ કરીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
પોલીસને ચોક્કસ બાતમી: પાદરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી તે મુજબ પોલીસે દરોડો પાડી એક કર્મચારી સ્થળ ઉપરથી ધરપકડ કરી લીધી હતી. જ્યારે નાયબ ઇજનેર સહિત બે કર્મચારીઓએ પોલીસે છાપો મારતા જ ફરાર થઇ ગયા હતા. મધ્ય ગુજરાત વીજ કંપનીની વિભાગ-1ની કચેરીના સ્ટોર રૂમનો દરવાજો બંધ કરી નાયબ ઇજનેર આર. કે. રાઠવા, હિતેષ પંચાલ અને કનુ કાપડીયા દારુની મહેફિલ માણી રહ્યા હતા. પાદરા પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.આર. ડામોરને માહિતી મળતા તેઓએ પી.આઇ. એલ.બી. તડવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફની મદદ લઇ દરોડો પાડ્યો હતો.
" પાદરામાં આવેલી MGVCL વિભાગ-1ની કચેરીના સ્ટોર રૂમમાં કેટલાક લોકો દારુની મહેફિલ માણી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્ટાફ સાથે રેડ કરી હતી. સ્ટોર રૂમમાં ત્રણ વ્યક્તિઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જે પૈકી હિતેષ કાંતિલાલ પંચાલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે નાયબ ઇજનેર આર. કે. રાઠવા અને કનુ કાપડીયા પોલીસની રેડ પડતા ફરાર થઇ ગયા છે. તેઓને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. સ્થળ પરથી અડધી દારુ ભરેલી બોટલ, ટીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્રણ કર્મચારીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ પાદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે"-- એચ.આર. ડામોર ( પાદરા પોલીસ મથકના પી.એસ.આઇ.)
સાથી કર્મચારીઓ ફરાર: નાયબ ઇજનેર આર. કે. રાઠવા સહિત ત્રણે કર્મચારીઓ સ્ટોર રૂમના ટેબલ ઉપર મહેફીલ જમાવી હતી. પોલીસે રેડ કરતા ઝડપાયેલા કર્મચારી હિતેષ પંચાલ નો નશો ઉતરી ગયો હતો.પરંતુ સાથી કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. જ્યારે આ રેડમાં હિતેષ પંચાલ સ્થળ પર ઝડપાઇ ગયો હતો. પોલીસે દારૂની મહેફિલ ટેબલ ઉપરથી અડધી ભરેલી દારુની બોટલ, બીયરના ટીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ઝડપાયેલા આરોપી હિતેષ પંચાલને પોલીસ મથક લઇ ગઇ હતી અને ફરાર થઇ ગયેલા નાયબ ઇજનેર આર. કે. રાઠવા તેમજ કનુ કાપડીયાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.