વડોદરા: શહેરમાં વધતાં કોરોના જોખમના પગલે બુધવાર સાંજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં નાગરવડા અને તાંદલજા વિસ્તારને સીલ કરવાનો નિર્ણય લેવાયો છે.
કોવિડ-19થી સંક્રમિત થયેલો હોમિયોપેથિક ડૉ.મહંમદ શાદ અબ્દુલ હુસેન શેખ તાંદલજાની મુહાવિન હોસ્પિટલમાં નોકરી કરતો હતો. છેલ્લા એક અઠવાડિયામાં તે તાંદલજામાં અનેક લોકોના સંપર્કમાં આવ્યો હતો.
આ ઉપરાંત તેની કોરોનાના પાંચ નવા પેશન્ટોની પણ તાંદલજામાં સુચક મુલાકાતો થઈ હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. OSD ડૉ.વિનોદ રાવ, CP અનુપમસિંહ ગહલોત અને મ્યુનિ.કમિશ્નર નલિન ઉપાધ્યાય બુધવારે રાતે સીલની કાર્યવાહી કરવા માટે ચુસ્ત બંદોબસ્ત સાથે તાંદલજા પહોંચી ગયાં હતા.
મળતી માહિતી પ્રમાણે કોરોનાની સૌથી વધુ અસર શહેરમાં મુસ્લીમ વસ્તી ધરાવતાં નાગરવાડા વિસ્તારમાં થઈ છે. જે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ નાગરવાડામાં કોરોનાના 8 પોઝીટીવ કેસ સપાટી ઉપર આવ્યાં છે.
કોરોનાની ઝપેટમાં આવેલાં નાગરવાડાના 22 વર્ષીય ડૉ.મહંમદ શાદ અબ્દુલહુસેન શેખ તાંદલજાની મુહાવીન હોસ્પિટલમાં નોકરી કરતો હતો. છેલ્લા એક અઠવાડિયામાં અનેક વખત હોસ્પિટલ ગયો હતો અને ઘણાં લોકોના સંપર્કમાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગની ટીમે વિસ્તાર અને દર્દીઓની ગતિવિધિ અંગેનો રિપોર્ટ OSD.ડૉ.વિનોદ રાવને સુપ્રત કર્યો હતો. જેની ગંભીરતા પૂર્વક નોંધ લઈને ડૉ.રાવની અધ્યક્ષતામાં બુધવારે સાંજે એડમિનીસ્ટ્રેશન વિંગના ઉચ્ચ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.